રાજ્યમાં આંદોલનનો દોર દિન પ્રતિદિન વધી રહ્યો છે. એક બાદ એક આંદોલનકારીઓ પોતાની માગણી સાથે સરકારનો ઘેરાવો કરી રહ્યા છે. ત્યારે પડતર માગણીઓને લઈ ઘણા દિવસથી શિક્ષકો પણ મેદાનમાં ઉતર્યા છે. ધી ગુજરાત સચિવાલય ફેડરેશન અને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે પોતાની માગણી ના સ્વીકારાતા માસ સીએલ પર ઉતરવાની જાહેરાત કરી હતી.
સંગઠનમાં પડ્યા બે ફાંઠા
સરકારની સાથે વાત થયા બાદ સંગઠનમાં બે ફાંઠા પડી ગયાં છે. ફાંટા પડતા અનેક જગ્યાઓ પર શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે તો અનેક શિક્ષકો માસ સીએલ પર નથી ઉતર્યા. આંદોલનમાં બે ફાંટા પડવાની વાતને વખોડી નાખી હતી. ત્યારે ટીમ ઓપીએસે માસ સીએલનો કાર્યક્રમ યથાવત રાખવાની જાહેરાત કરી છે. સંગઠનના હોદ્દેદારોએ જૂની પેન્શન યોજના સ્વીકાર્યા વગર સરકાર સામે સોદો કર્યો હોવાનો દાવો કર્યો છે. પ્રમુખે કહ્યું કે, સરકાર ફરીથી વિચારણા કરે તેવી માગ છે, કર્મચારીઓ જૂની પેન્શન યોજના માટે જ રસ્તા પર ઉતર્યા છે.
માસ સીએલનો કાર્યક્રમ યથાવત
આ કાર્યક્રમમાં રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓ અને જૂની પેંશન યોજના નથી મળી તેવા કર્મચારીઓ જોડાશે. સંયુક્ત મોરચાની જાહેરાત બાદ વિરોધ થયો હતો. સરકારની ભાગલા પાડો નીતિ વખોડી આજે માસ સીએલ રાખવાનો નિર્ણય. સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ માસ સીએલ પર જવાનો કાર્યક્રમ જારી રાખ્યો. આજે જિલ્લાના શિક્ષકો ફરજ નહી બજાવે. એક દિવસ માટે જિલ્લાના શિક્ષકો માસ સીએલ મુકશે.
અનેક જિલ્લાઓમાં શિક્ષકોનો વિરોધ
મહેસાણા જિલ્લાના તમામ શિક્ષકો પણ સમર્થનમાં ઉતરી માસ સીએલ પર છે. તો તાપી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો પણ માસ સીએલ પર છે. પંચમહાલ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ પણ પોતાની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. તમામ શિક્ષકો હડતાળ પર ઉતરવાને કારણે પ્રાથમિક શાળાઓમાં તાળા લાગી ગયા છે. જેને કારણે શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
શિક્ષકો હડતાળ કરી સરકાર વિરૂદ્ધ મેદાને આવતા બાળકોને ભણવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો માસ સીએલ પર ઉતરેલા શિક્ષકોની માગણી નહિં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી શિક્ષકોએ આપી છે.