પ્રધાનમંત્રીએ આજે ભારતીય જળસેનાને અનેક તકનિક સાધનોથી સજ્જ સ્વદેશી દરિયાઈ જહાજ INS વિક્રાંત અર્પણ કર્યું છે. INS વિક્રાંતથી ભારતની દરિયાઈ સીમાની સુરક્ષામાં વધારો થશે અને મુંબઈની તાજ હોટલ પર થયેલા એટેક જેવી ઘટનાઓથી ભારતને બચાવી શકાશે. આ ભારતીય નેવીમાં આ જહાજના આવવાથી ભારત પાંચમો એવો દેશ બની ગયો છે જે 40 હજાર ટન વજન ધરાવતું જહાજ બનાવી શક્યા છે.
શું છે યુદ્ધ જહાજ INS વિક્રાંતની ખાસિયત?
20 કરોડના ખર્ચે બનેલું યુદ્ધજહાજ INS વિક્રાંત ભારતમાં બન્યું છે. 45 હજાર ટન વજન ધરાવતું INS વિક્રાંત દરિયામાં 28 નોટિકલ માઈલની ઝડપથી સફર શકે છે. INS વિક્રાંતમાં 1600 નેવી જવાનો રહે તેવી સુવિધા રાખવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે ભારતનું આ બીજા નંબરનું જહાજ છે જેની પર લડાકુ વિમાનો ઉતરી અને ઉડી શકે છે. લડાકુ વિમાનોને હવામાં ઉડાન ભરવા માટે અને ઉતરવા માટે 262 ફૂટનો રન-વે બનાવી આપવામાં આવ્યો છે. આ જહાજ 29 મિગ અને 31 હેલિકોપ્ટ ઉભા કરી શકાશે.
જયેમ સમ યુધિ સ્પૃધાઃ
ભારતીય નેવીએ ટ્વીટ કર્યા બાદ સંસ્કૃતમાં લખેલું એક શ્લોક પણ મૂક્યો હતો જે હતું 'જયેમ સમ યુધિ સ્પૃધાઃ'. આ શ્લોક ઋગવેદમાંથી લેવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે કે કોઈ મારી સાથે લડવા આવશે તો હું તેને હરાવીને જ જંપીશ. આ શ્લોકનો વિદેશ નીતિ મામલે પરોક્ષ મતલબ એવો પણ નીકળી શકે કે ભારત હવે સશક્ત છે આત્મનિર્ભર છે. ભારત સામે ઉંચી આંખ કરનાર અન્ય દેશને મોટી મુસીબતનો સામનો પણ કરવો પડી શકે છે. જોકે ભારતીય નેવીનું સૂત્ર 'શં નો વરુણ:' છે, જેનો અર્થ થાય છે જળના દેવતા વરુણ અમારી માટે મંગળકારી છે.
શા માટે INS વિક્રાંત ભારતીય નેવી માટે મહત્વનું?
જમાવટ મીડિયાએ જ્યારે એક્સ કોમોડોર ઉત્પલ વોરા સાથે ચર્ચા કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ચીન ગમે ત્યારે પાકિસ્તાન સાથે મળીને ભારત માટે મુશ્કેલીની પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. આવા સયમાં એરક્રાફ્ટ રાખી શકાય તેવું જહાજ INS વિક્રાંત ભારતની રક્ષા માટે પ્લસ પોઈન્ટ હશે. ચીન સતત અન્ય દેશોના દરિયાઈ પટ પર પોર્ટનું નિર્માણ કરી તેની દરિયાઈ શક્તિ વધારવાનું કામ કરતું રહેતું હોય છે. આવા કપરા સમયમાં જ્યારે કોઈ અન્ય દેશ હિંદ મહાસાગરમાં ભારતની સુરક્ષા સાથે ગરબડ કરશે તો લડાકુ એરક્રાફ્ટ કેરિયરનું હોવું અનિવાર્ય બની રહે છે. લડાકુ વિમાન કેરિયર ભારતમાં બનાવવું સિદ્ધિ કહેવાય. કારણ કે ગન, બોમ્બ જેવી વસ્તુઓ તો સરળતાથી બની રહે છે પરંતુ લડાકુ વિમાન રાખી શકાય તેવું મહાકાય જહાજ બનાવવનું અતિ મુશ્કેલ કામ છે. તાઈવાન સાથે ચીનનો સંઘર્ષ ચાલે છે ત્યારે તાઈવાનના સમર્થન માટે અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર જહાજ રોનાલ્ડ રેગન તાઈવાનની રક્ષા કરવા માટે દરિયામાં ઉભું છે. આ જહાજના આવવાથી અર્થતંત્રને પણ ફાયદો થઈ શકે એમ છે કારણ કે ભારતની અનેક વસ્તુઓ વિદેશથી નિર્યાત કરવામાં આવે છે તે દરમિયાન કોઈ તકલીફ થાય તો આવા જહાજનું હોવું જરૂરી છે. ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ કહ્યું હતું કે, "જમીન પર રહેવા માટે દરિયા પર પણ પગ જમાવી રાખવા બહુ જરુરી બની રહે છે." ઈસ્ટ ઈન્ડિયા કંપની બનાવવા માટેના અંગ્રેજો પણ દરિયાઈ માર્ગે જ આવ્યા હતા અને ભારતને ગુલામ બનાવી દીધું હતું. માટે દરિયાઈ સુરક્ષા હોવી અતિ અનિવાર્ય છે. INS વિક્રાંત હિંદ મહાસાગરમાં ચીનનું નાક દબાવવા માટે કામ લાગશે.
INS વિક્રાંત આવ્યા બાદ હવે જહાજ પર શું બદલાવો થશે
INS વિક્રાંત 2-3 મહિના બાદ લડાઈ માટે તૈયાર થઈ જશે. કારણ કે INS વિક્રાંત પર હજુ વેપન સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે. INS વિક્રાંત પર રાખવા માટેના લડાકુ એરક્રાફ્ટ અલગથી ખરીદવા પડશે. હિંદ મહાસાગરમાં યુદ્ધાભ્યાસ કરવો પડશે અને અન્ય દેશો સાથે પણ લડાઈ અભ્યાસ પણ કરવો પડશે.
ભારત આઝાદ થયું પછીના સમયમાં ભારતે ઘણી પ્રગતી કરી છે. અમુક સંજોગોના કારણે ભારત મોટી વસ્તુઓ માટે અન્ય દેશ પર નિર્ભર પણ રહેવું પડતું હતું. ભારત સંરક્ષણ ક્ષેત્રે આગળ આવી રહ્યું છે જેની નોંધ સમગ્ર દેશ લઈ રહ્યું છે. દેશ ધીમે-ધીમે વિદેશથી નિર્ભરતા ઘટાડી આત્મનિર્ભર થતો જઈ રહ્યો છે. જ્યારે દેશ વિકટ પરિસ્થિતિમાં આવશે ત્યારે ભારતીય આર્મી, નેવી, એરફોર્સ સશક્ત હોવાના કારણે દેશનું રક્ષણ કરી શકશે.