મેળો... આ શબ્દ સાંભળતા તમારા મનમાં ચકડોળ, ઝગમગ થતી લાઈટ, જાતભાતની વસ્તુઓની ખરીદી, મોજ મસ્તી, કાનને ગમતો ઘોંઘાટ, આંખને ગમે એવી રંગબેરંગી ભીડ જેવા દ્રશ્યો તમારી સામે આવતા હશે, પણ આ બધા ઉપરાંત દરેક મેળાની એક વિશેષતા હોય છે જે તેમને વિશેષ બનાવે છે. ત્યારે ગઈકાલથી તરણેતરના મેળાનો પ્રારંભ થઈ ગયો છે.
જેમણે મેળાને આંખોથી જોયો હશે તેમના માટે લાગણી અલગ હશે
જે જગ્યા પર મેળો ભરાતો હશે ત્યાં જઈને મેળાની વિશેષતા કોઈને પૂછશો તો શહેરોના લોકો અલગ અલગ રાઇડ્સને તેની વિશેષતા ગણાવશે, કોઈ GPSC-UPSCની તૈયારી કરતા ઉમેદવારને આ સવાલ પૂછશો તો એ જણાવશે તેની તિથિઓ તેના વિસ્તારો, પણ આપણા ભાતીગળ મેળાઓમાં જેમણે હાજરી આપી છે, પોતાની આંખોથી એ મેળાની વિશેષતા જોઈ છે તેમના માટે મેળાનો આનંદ અલગ હોય છે. દૂર ગામેગામ ચાલીને થાક્યા વગર લોકો મેળો જોવા પહોંચ્યા છે.
500થી વધારે મેળા શ્રાવણ માસમાં યોજાય છે
ગુજરાતમાં લગભગ દર વર્ષે નાના - મોટા 1600 ઉપરાંત મેળાઓ યોજાય છે. આમાંથી 500 થી વધુ મેળાઓ શ્રાવણ માસમાં યોજાય છે. દરેક મેળાની પાછળ તેના અલગ અલગ ભૌગોલિક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કારણો રહેલા હોય છે, સુરેન્દ્રનગર-ઝાલાવાડના પાંચાળ પ્રદેશ અને હાલ જેમાં થાનગઢ છે ત્યાં ભાદરવા સુદ-3થી 6 સુધી તરણેતરનો મેળો ભરાય છે. જેમાં કંઈક કેટલાયે દૂર દૂરથી સહેલાણીઓ આવે છે- 3 દિવસ મેળામાં મન મુકી ઝૂમે છે.
મેળામાં મન મૂકીને લોકો ઝુમે છે
આ મનમુકીને ઝુમવું એટલે બળદગાડા, અશ્વની દોડ, માથે મોર મુકેલી સોલ સળિયાવાળી રંગબેરંગી છત્રીઓ લઇ ફરવું. દિવસ રાત લેવાતા રાસ ગરબા, સતત સાંભળતા પાવાના સૂર, પરંપરાગત વેશભૂષામાં સજ્જ છોકરીયો, દોરડા ખેંચ, કબડ્ડીની હરીફાઇમાં જોશ બતાવતા જુવાનનો, વર્ષોનો થાક લઇ ધીમે ધીમે ફરતા ઘરડાઓ, નવા માણસો અને રમકડાં જોઈ કુતુહલથી ભરેલા બાળકો આ બધાનો સરવાળો એટલે મન મૂકીને ઝુમવું એ- આ મેળો જેટલો જૂનો એટલી જ અલગ અલગ લોક વાયકા છે.
આ જગ્યાઓ સાથે જોડાયેલી છે આ માન્યતાઓ
આ જ સ્થળ છે જ્યાં પાંચાલીને અર્જુને સ્વયંવરમાં જીતી હતી, અહીં હજીયે એ જગ્યા છે જ્યાં અર્જુને મત્સ્ય વેધ કર્યો હતો, આજના જુવાનો મત્સ્યવેધ નથી કરતા પણ આ સ્વયંવરમાં પ્રિયતમની શોધ તો ચાલુ જ છે- અને આપણા મેળાઓનો એક આ પણ ઉદેશ્ય હતો કે હજારોની ભીડમાં 2 સરખા દિલ મળે, ત્રિનેશ્વર મહાદેવ મંદિર, જ્યાં આ મેળો ભરાય અને આજ મહાદેવ મંદિરનું નામ અપભ્રંશ થતા તરણેતર થયું, (આ મંદિરની)બન્ને બાજુ 3 વિશાળ કુંડ છે, શિવ કુંડ વિષ્ણુ કુંડ, બ્રહ્મ કુંડ. જ્યાં ગંગાજી પ્રગટ થાય છે તેવી માન્યતા છે.
મંદિરના શિખર પર ફરકાવાય છે 52 ગજની ધજા
મેળામાં હજારો શ્રદ્ધાળુઓ સ્નાન કરે, શ્રાદ્ધ અર્પણ કરે છે, અને મંદિરના ગુમ્બજે 52 ગજની ધજા ચડે છે, આ મંદિરને 10મી સદીમાં બનાવાયું હોવાની વાત છે, આ પહેલા અયોધ્યાના સૂર્યવંશી રાજા યુવનાશ્વર નિઃસંતાન હતા જેમને ગુરુ વશિષ્ટએ યજ્ઞ કરવા કહ્યું જેના પ્રતાપે તેને મંધાતા નામે પુત્ર થયો જેણે આ મંદિર બનાવડાવ્યું તેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જાણવા મળે છે, બાદ 1902માં લખતરના રાજવી કર્ણવીરસિંહે પુત્રી કરણબાના સ્મરણાર્થે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું,
તંત્ર દ્વારા કરાય છે ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન
અત્યારે આ મેળાને સંસ્કૃતિના ભાગ રૂપે આગળ વધારવાની જવાબદારી આપણી જ છે અને તંત્ર દ્વારા મેળામાં ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવે છે- અત્યારના મોસમમાં વરસાદ દરમિયાન પણ ઓલમ્પિકમાં ભાગ રહેલ યુવાનો અને શાળાના બાળકો વરસાદમાં ભીંજાઈ રહ્યા હતા છતાં ચાલુ વરસાદે જીતની ખુશી માણી રહ્યા હતા.