શિક્ષણની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળતી જઈ રહી છે. અનેક વખત એવા સમાચારો તમારા સુધી પહોંચાડ્યા છે. પરંતુ આ વખતે તમને શિક્ષણ વિભાગની નબળી કામગીરી વિશે નહીં પરંતુ શિક્ષકોની કામગીરી અંગે વાત કરવી છે. નકારાત્મક નહીં પરંતુ સકારાત્મક વાત કરવી છે. શિક્ષકોના અનેક એવા દાખલા આપણી સામે છે અંતરિયાળ વિસ્તારમાં ખૂબ સારી તેમજ બિરદાવવા લાયક કામગીરી કરતા હોય છે. ગામડાના વિદ્યાર્થીઓને સારૂં શિક્ષણ મળે તે માટે ઘણા પ્રયત્નો શિક્ષકો કરતા હોય છે. એ શિક્ષકો ન માત્ર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરતા હોય છે પરંતુ વિદ્યાર્થીના પરિવારો પણ તેમની કામગીરીથી પ્રભાવિત થતા હોય છે. જે ગામમાં સુવિધાઓ ન હોય તેવી જગ્યાઓ પર જઈ શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે.
કચ્છના છેવાડાના વિસ્તારમાં શિક્ષકની વિદાય થતાં સર્જાયા ભાવુક દ્રશ્યો
ગુરુ ગોવિંદ દોઉ ખડે, કા કો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દીઓ બતાયે. ગુરૂનું સ્થાન આપણા ઘડતરમાં ખૂબ અગત્યનું હોય છે. ગામડાના વિદ્યાર્થીઓ અને તેમાં પણ અંતરિયાળ વિસ્તારથી આવતા બાળકોને પોતાના શિક્ષકો પ્રત્યે ખૂબ માન હોય છે. એક સન્માનની દ્રષ્ટિથી તેઓ પોતાના શિક્ષકને જોતા હોય છે, તેમના માટે તે ભગવાન હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ ન ગણાય. કારણ કે આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં શિક્ષકોની વિદાય પર ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ ગામના લોકો પણ ભાવુક થયા છે. કચ્છના છેવાડાના બન્ની વિસ્તારથી ભાવુક કરી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. દુર્ગમ વિસ્તારમાં શિક્ષક માટે યોગ્ય સગવડો ન હોવા છતાંય વિદ્યાર્થીના ભણતર પર કોઈ ખરાબ અસર ન પડે તે માટે તેઓ ભણાવે છે. આ શિક્ષકનું નામ છે પ્રહલાદ સુથાર. 13 વર્ષ બાદ શિક્ષકની બદલી થઈ હતી અને તેમના માટે વિદાય સમારોહ યોજાયો હતો જેમાં ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ તેમના વાલીઓ તેમજ ગ્રામજનો આવ્યા હતા.
ગામડામાં રહેતા વિદ્યાર્થીઓને હોય છે શિક્ષકોની કદર!
આચાર્ય ચાણક્ય કહેતા હતા કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા. પ્રલય ઓર વિનાશ ઉનકી ગોદમે પલતે હે. ભાવી પેઢીને તૈયાર કરવાનું કામ એક શિક્ષકનું હોય છે. શિક્ષક ધારે તો પરિવર્તન પણ લાવી શકે છે. જેને ભણતર આસાનીથી મળી ગયું હોય તે વ્યક્તિને શિક્ષકની તેમજ અભ્યાસની કદર નથી હોતી. તેવા અનેક દ્રષ્ટાંત આપણી સામે હશે, પરંતુ જે લોકોને, જે વિદ્યાર્થીઓને ભણતર માટે સંઘર્ષ કરવો પડે છે તેમને શિક્ષકોની કદર હોય છે. ગામડામાં જે શિક્ષકો સંઘર્ષ વેઠી બાળકોને ભણાવવા માટે આવે છે તેમને પણ સલામ કરવા જોઈએ. માત્ર મોટી મોટી વાતો કરવાથી, મોટા મોટા સૂત્રો લગાવાથી કામ નહીં થાય આવા શિક્ષકોની જરૂર છે જે નિષ્ઠાથી પોતાનું કામ કરે છે અને શિક્ષણ વિભાગનો એક સારો ચહેરો આપણી સામે પ્રસ્તુત કરે છે.