એવું તો સાંભળ્યું હશે કે ચોર ચોરી કરીને ભાગી ગયો.. પણ સુરતમાં કંઈક ઊંધું જ બન્યું હતું અહીં સુરતમાં એક વિચિત્ર ઘટના બની હતી. ચોર પાર્કિંગમાંથી એક બાઈક ચોરી કરીને લઈ ગયો હતો. પછી બાઇકના માલિકે ઈમોશનલ FB પોસ્ટ વાંચીને ચોરનું હદય પરિવર્તન થઈ ગયું અને તે બાઈક પાછું પાર્કિંગમાં મૂકી ગયો. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઇ છે. ખરેખર પ્રેમની ભાષા કોઈનું પણ હ્ર્દય પરિવર્તન કરી નાખે છે.
FB પોસ્ટથી ચોરનું થયું હ્રદય પરિવર્તન
સુરતમાં એક યુવકની ગાંધીગિરી કામ કરી ગઈ છે. સુરતમાં બાઈક ચોરીની એક ઘટના બની હતી. આ ઘટના બાદ બાઇકના માલિકે એક પોસ્ટ મૂકી હતી જે વાયરલ થઇ હતી. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે “શ્રીમાન ચોર સજ્જન ને માલૂમ થાય કે જ્યાંથી બાઈકની ચોરી કરી છે ત્યાં પાર્કિંગમાં ડાબી સાઈડના ખૂણામાં આરસીબુક અને ચાવી મુકેલ છે તો તમારા ટાઈમે આવીને લઈ જજો અને સુખેથી ચલાવજો મારું ટેન્શન ના લેતા મારી પાસે સાયકલની વ્યવસ્થા છે.” આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ હતી.
શું છે સમગ્ર ઘટના?
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી મિડિલ પોઈન્ટ નામની બિલ્ડિંગમાં પરેશભાઈ પટેલ વુડન આર્ટ હેઠળ બનાવેલ સામાનનો વેપાર કરે છે. પરેશભાઈ પટેલ 9મી ડિસેમ્બરે સવારે ઓફિસે પહોંચ્યા હતા અને બિલ્ડીંગના પાર્કિંગમાં બાઇક પાર્ક કર્યું હતું. સાંજે જ્યારે તે ઘરે જવા નીકળ્યા ત્યારે તેમણે જોયું કે તેમની બાઇક પાર્કિંગમાં ન હતી. પછી પરેશ પટેલે પાર્કિંગમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા હતા. જેમાં ફૂટેજમાં એક વ્યક્તિ બાઇક ચોરી કરતો જોવા મળ્યો હતો. આ ફૂટેજ પરેશ ભાઈ પટેલે પોતાના મોબાઈલમાં લઈ ફેસબુક પર ઈમોશનલ પોસ્ટ લખી હતી. પરેશભાઈએ ચોરને સજ્જન કહીને સંબોધીને બાઇકની ચાવી અને આરસી લઈ જવાની વાત લખી હતી. જોકે, બાઇક ચોરી અંગે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઇ હતી.
ફરિયાદ પાછી ખેંચી
હવે બાઈક પર મળી જતા બાઇકના માલિક પરેશ પટેલે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લીધી છે. તેમને હવે ચોર સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવાની જરૂર નથી. જે સમયે બાઇકની ચોરી થઇ હતી તે સમયે તેમણે વિચાર્યું પણ નહોતું કે તેમની બાઇક પરત મળી જશે. આ જ કારણ હતું કે તેમણે ચોર બાઇકની આરસી બુક અને ચાવી લઇ જવા માટે પોસ્ટ કરી હતી.