આજનો દિવસ ભારતીય લોકશાહીના ઈતિહાસમાં કાળો દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસને યાદ કરીને દરેક ભારતીયનું માથું શરમથી ઝુકી જાય છે. 1975માં આ દિવસથી 21 મહિના માટે ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. આ સમય 25 જૂન 1975 થી 21 માર્ચ 1977 સુધીનો સમય તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારની મનસ્વીતાનો સમય હતો. એ વખતે સરકાર સામે ઊઠેલા દરેક અવાજને દબાવી દેવામાં આવ્યો હતો. તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકારની ભલામણ પર ભારતીય બંધારણની કલમ 352 હેઠળ દેશમાં કટોકટી જાહેર કરી હતી. આવો, ચાલો જાણીએ કે તેનો અમલ કેવી રીતે અને કયા સંજોગોમાં કરવામાં આવ્યો હતો.
ઈમરજન્સી શા માટે લાદવામાં આવી?
વર્ષ 1971ની લોકસભાની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીએ તેમની પાર્ટીને અભૂતપૂર્વ જીત અપાવી હતી. તે પોતે જ મોટા માર્જિનથી જીતી હતી. ઈન્દિરા ગાંધીની જીત પર સવાલ ઉઠાવતા, તેમના ચૂંટણી પ્રતિસ્પર્ધી રાજનારાયણે 1971માં કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સંયુક્ત સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ઈન્દિરા ગાંધી સામે રાયબરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડનારા રાજનારાયણે તેમની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે ઈન્દિરા ગાંધીએ ચૂંટણી જીતવા માટે ગેરકાનુની રીતોનો ઉપયોગ કર્યો હતો. કેસની સુનાવણી થઈ અને ઈન્દિરા ગાંધીની ચૂંટણી નિરસ્ત કરવામાં આવી. આ નિર્ણયથી ગુસ્સે થઈને ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાદવાનું નક્કી કર્યું હતું.ઈન્દિરા ગાંધી એટલા ગુસ્સે થયા કે બીજા જ દિવસે કેબિનેટની ઔપચારિક બેઠક વિના તેમણે રાષ્ટ્રપતિને ઈમરજન્સી લાદવાની ભલામણ કરી દીધી હતી. રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે 25 જૂન અને 26 જૂનની મધ્યરાત્રિએ જ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. આ રીતે દેશમાં પ્રથમ સૌ પ્રથમ કટોકટી અમલમાં આવી હતી.
કોની સલાહ પર લગાવવામાં આવી ઈમર્જન્સી
ઈન્દિરા ગાંધીના પ્રાઈવેટ સેક્રેટરી રહેલા સ્વર્ગસ્થ આર.કે. ધવને કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના તત્કાલિન CM સિદ્ધાર્થ શંકર રે એ જાન્યુઆરી 1975માં જ ઈન્દિરા ગાંધીને ઈમરજન્સી લાગુ કરવાની સલાહ આપી હતી. ઈમરજન્સી લાદવાનો પ્લાન ઘણા સમય પહેલા બનાવવામાં આવ્યો હતો. ધવને જણાવ્યું હતું કે તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદને ઈમરજન્સી લાદવાની ઘોષણા પર હસ્તાક્ષર કરવામાં કોઈ વાંધો નહોતો. તે આ માટે તરત જ તૈયાર થઈ ગયા હતા. ધવને એ પણ જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન મુખ્ય પ્રધાનોની બેઠક કેવી રીતે બોલાવવામાં આવી હતી અને તેમને આરએસએસના તે સભ્યો અને વિપક્ષી નેતાઓની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી જેમની ધરપકડ થવાની હતી. દિલ્હીમાં પણ આવી જ તૈયારીઓ કરવામાં આવી હતી.
સૌથી કમનસીબ દિવસ!
ઇમરજન્સીને અનિવાર્ય બનાવનારી ઘટના 12 જૂને બની હતી જ્યારે અલ્હાબાદ હાઇકોર્ટે ઇન્દિરા ગાંધીને ચૂંટણીમાં ગેરરીતિ માટે દોષિત ઠેરવ્યા હતા. 1971ની લોક સભા ચૂંટણીમાં, રાયબરેલી મતવિસ્તારના ઈન્દિરા ગાંધીના હરીફ રાજ નારાયણે તેમની સામે લાંચ લેવાનો અને ચૂંટણીમાં ગેરરીતીઓ માટે સરકારી મશીનરીનો ઉપયોગ કરવાનો કેસ દાખલ કર્યો હતો. દોષિત ઠર્યા પછી ઈન્દિરા ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને છ વર્ષ માટે ચૂંટણી લડવા તથા કોઈ પણ બંધારણીય પદ સંભાળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
લોકોએ રેડિયો પર ઈન્દિરાનો અવાજ સાંભળ્યો
તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકારની ભલામણ પર ભારતીય બંધારણની કલમ 352 હેઠળ દેશમાં ઈમરજન્સીની જાહેરાત કરી હતી. 25 જૂન અને 26 જૂનની વચ્ચેની રાત્રે તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદની સહીથી દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે આખા દેશે રેડિયો પર ઈન્દિરાના અવાજમાં સંદેશો સાંભળ્યો. તેમણે કહ્યું- 'ભાઈઓ અને બહેનો, રાષ્ટ્રપતિએ ઈમરજન્સી જાહેર કરી છે. આનાથી ગભરાવાનું કોઈ કારણ નથી. આ ઈમરજન્સી દેશમાં 21 મહિના સુધી એટલે કે 25 જૂન 1975 થી 21 માર્ચ 1977 સુધી અમલમાં રહી હતી.
અનેક નેતાઓ જેલમાં બંધ
કટોકટીની જાહેરાત સાથે, નાગરિકોના મૂળભૂત અધિકારો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. માત્ર અભિવ્યક્તિનો અધિકારથી જ નહીં, લોકોને જીવન જીવવાના અધિકારથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા. 25મી જૂનની રાતથી દેશમાં વિપક્ષના નેતાઓની ધરપકડનો તબક્કો શરૂ થઈ ગયો હતો. જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલ બિહારી વાજપેયી, એલકે અડવાણી, જ્યોર્જ ફર્નાન્ડિસ, રાજનારાયણ, લાલુ પ્રસાદ યાદવ, નીતીશ કુમાર, શરદ યાદવ અને રામવિલાસ પાસવાન સહિત અનેક નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જેલોમાં જગ્યા પણ બચી ન હતી.