આગામી વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોતાના સંગઠનને મજબૂત કરવા પાછળ પાર્ટી કામ કરી રહી છે. ત્યારે થોડા સમય પહેલા રાજ્યસભાની ચૂંટણીને લઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ આ મામલે નવી અપડેટ સામે આવી છે. ત્રણ બેઠકો માટે ચૂંટણી થવાની છે જેમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર નહીં ઉભા રાખે. કારણ કે કોંગ્રેસ પાસે માત્ર 17 સીટો છે જ્યારે ભાજપ પાસે 156 સીટો છે. આવી સ્થિતિમાં પૂરતું સંખ્યાબળ ન હોવાને કારણે કોંગ્રેસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
18 ઓગસ્ટે આ ત્રણ નેતાનો કાર્યકાળ થાય છે પૂર્ણ
ગુજરાતની ત્રણ રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જેનું નોટિફિકેશન થોડા સમય પહેલા બહાર પાડવામાં આવ્યું હતું. નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ છે અને ઉમેદવારી ખેંચવાની આખરી તારીખ છે. પરંતુ આ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેમાં કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે. કોંગ્રેસ ત્રણમાંથી એક પણ બેઠક પર પોતાના ઉમેદવારને નહીં ઉભા રાખે. ગુજરાતમાં વિદેશમંત્રી એસ જયશંકર, સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયાની ટર્મ પૂરી થઈ રહી છે. કાર્યકાળ પૂર્ણ થવાને કારણે ચૂંટણી યોજાવાની છે. ગોવાની એક, ગુજરાતની 3 અને પશ્ચિમ બંગાળની 6 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. 18 ઓગસ્ટના રોજ દિનેશ અનાવડિયા, જુગલજી ઠાકોર અને વિદેશમંત્રી એસ.જયશંકરની ટર્મ પૂર્ણ થવાનો છે.
ગુજરાત રાજ્યસભાની બેઠકો ભાજપના કબજે
ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં મતદારાઓએ ભાજપને ખોબેને ખોબે મત આપ્યા હતા. 182માંથી 156 સીટો ભાજપને ફાળે ગઈ છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીને રાજકારણ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પીછેહટ કરવામાં આવતા જે ભાજપના ઉમેદવારો છે તે બીન હરીફ ચૂંટાઇ શકે છે.