ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારી કરી દીધી છે. ત્યારે હવે ચૂંટણી પંચે પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મતદાન જાગૃતિ વધારવા માટે ચૂંટણી પંચે અલગ-અલગ એસોસિએશન સાથે MoU કર્યા છે.
ગુજરાત ચૂંટણી પંચે રાજ્યના દરેક મતદાર સુધી પહોંચવા માટે દવા બજારના એસોસિએશન સાથે MoU કર્યા છે. ગુજરાત ચૂંટણી પંચ અને ગુજરાત કેમિસ્ટ વચ્ચે MoU થતા હવેથી રાજ્યની તમામ મેડિકલ સ્ટોર પરથી મતદાનનો પ્રચાર થશે. એટલે કે મેડિકલ સ્ટોર પર આવતા દર્દીઓને મતદાન કરવા સમજાવાશે. રાજ્યના 32 હજાર મેડિકલ સ્ટોર સાથે ચૂંટણી પંચે MoU કર્યા છે.
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતની મુલાકાતે આવી હતી
હાલમાં જ કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેઓએ રાજ્યમાં ચૂંટણી માટે ચાલી રહેલી તૈયારીની સમીક્ષા કરી હતી. આ સાથે ચૂંટણી પંચના અધિકારીઓએ રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારથી સાથે જિલ્લા ચૂંટણી અધિકારીઓ, જિલ્લા પોલીસ અધીક્ષકો તેમજ પોલીસ કમિશનરો સાથે પણ સમીક્ષા બેઠક પણ યોજી હતી.
17-18 સપ્ટેમ્બરે ચૂંટણી સમીક્ષા બેઠક મળી
17-18 સપ્ટેમ્બરના રોજ ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મતદાર યાદી, SSR, EVM/VVPAT તેમજ મતદાન મથકો પર ખાતરીપૂર્વકની સુવિધાઓ, મેનપાવર, ટ્રાન્સપોર્ટેશન, કાયદો-વ્યવસ્થા, સુરક્ષા, SVEEP, તાલીમ અને ક્ષમતા નિર્માણને આવરી લેતા તમામ મુખ્ય વિષયો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.આ સાથે આગામી ચૂંટણી દરમિયાન સુચારું સંચાલન સુનિશ્ચિત કરવા તમામ મહત્વના મુદ્દાઓ અંગે જિલ્લાઓમાંથી પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારથી અને રાજ્ય પોલીસ નોડલ ઓફિસર દ્વારા વિગતવાર પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું.