ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં ધમધમાટ શરૂ થયો છે, આ દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચ પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગ્યું છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તૈયારીઓની આખરી સમીક્ષા માટે આજથી બે દિવસ માટે કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારી ગુજરાતના પ્રવાસે છે.
કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીએ યોજી સમીક્ષા બેઠક
કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારી રાજીવકુમાર અને અનુપચંદ્ર પાન્ડેના નેતૃત્વમાં પંચના 10થી વધુ સિનીયર અધિકારીઓએ ગાંધીનગર સ્થિત હોટલ લીલા ખાતે વિધાનસભાની ચૂંટણી અંગેની સમીક્ષાની કામગીરી હાથ ધરી હતી. હિમાચલ પ્રદેશથી મુલાકાત પછી પંચના અધિકારીઓ સીધા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પંચના અધિકારીઓ દ્વારા ગુજરાતની તમામ બેઠકો માટે સમીક્ષા શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં ચોથીવાર ચૂંટણી પંચના અધિકારીઓ ગુજરાત આવ્યા છે. પંચના અધિકારીઓ બે દિવસ સુધી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરનાર છે. પહેલા દિવસે કલેક્ટરો, જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક કરી કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરશે.
ચૂંટણી ખર્ચ અંગે ચૂંટણી પંચનું કડક વલણ
ચૂંટણી પંચના અધિકારીઓ બીજા દિવસે રાજકીય પક્ષો સાથે પણ અલગથી બેઠક કરશે. પંચ આ વખતે ખર્ચ નિયંત્રણને લઈ અતિ આગ્રહી બન્યુ હોવાથી જુદી જુદી એન્ફોર્સમેન્ટ એજન્સીના અધિકારીઓ સાથે પણ બેઠક કરનાર છે. પંચે મતદારયાદી નોંધણીના નવા નિયમો અમલી બનાવ્યા છે. એટલે નવા નોંધાયેલા મતદારો સાથે પણ અલગથી બેઠક કરશે તેમજ મતદાર જાગૃત્તિ અભિયાનને લઈ પણ ખાસ સમીક્ષા કરશે.
10મી ઓક્ટોબરે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ
રાજ્યમાં દસમી ઓક્ટોબરે વિધાનસભાની બેઠક દીઠ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે તે પૂર્વે પંચના ઉચ્ચ અધિકારીઓની ટીમે હાલ ગુજરાતની મુલાકાત લીધી છે. આ અગાઉ પણ પંચ બે દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યુ હતુ. આ દરમિયાન તેઓએ તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે બેઠક કરી હતી.