ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરી થવાની છે. થોડા સમયમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ જવાની છે. આચાર સંહિતા લાગે એ પહેલા તમામ પક્ષો પ્રચાર કરવામાં લાગી ગયા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂદ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે.
ઈસુદાનના પ્રહાર
આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાઘવ ચડ્ડા તેમજ મનિષ સિસોદિયા હાલ ગુજરાતના પ્રવાસે છે. કચ્છ ખાતે જનસંબોધન કરતા ઈસુદાન ગઢવીએ અમિત શાહના દિકરા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપને મત આપશો તો અમિત શાહના દિકરાને નોકરી મળશે.
કચ્છમાં ઈસુદાને કરી અનેક મોટી જાહેરાત
ઈસુદાન ગઢવીએ પોતાના સંબોધનમાં કહ્યું કે કચ્છમાં કોઈ મોટી હોસ્પિટલ નથી. જો આમ આદમીની સરકાર આવશે તો ખાનગી હોસ્પિટલને ટક્કર મારતી સરકારી હોસ્પિટલ બનાવવામાં આવશે. જેમાં તમામ પ્રકારની સુવિધા ફ્રીમાં અપાશે. ઉપરાંત ખેડૂતો માટે પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ખેડૂતના 2 લાખ રુપિયા સુધીના દેવા માફ કરી દેવામાં આવશે.