કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 10 મેના રોજ ખરાખરીનો જંગ જામવાનો છે, કારણ કે 10 મેના રોજ કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર કરવા મેદાનમાં ઉતર્યા છે. ભાજપ સહિત કોંગ્રેસ પણ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ભાજપનો પ્રચાર કરવા પીએમ મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા સહિત અનેક નેતાઓ આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ પ્રચાર કરવા મેદાનમાં ઉતર્યા છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ઉતરવાના છે. આજે હુબલી ખાતે જનસભાને સંબોધિત કરવાના છે. 2019 પછી સોનિયા ગાંધી ચૂંટણી પ્રચાર કરતા દેખાવાના છે.
અનેક વર્ષો બાદ સોનિયા ગાંધી કરશે ચૂંટણી પ્રચાર!
જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કર્ણાટકમાં દિગ્ગજ નેતાઓનો મેળાવડો જોવા મળી રહ્યો છે. પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે એ પછી ભલે ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય. દરેક પાર્ટી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે ભાજપનો પ્રચાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉતરવાના છે જ્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા સોનિયા ગાંધી ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરવાના છે. ઘણા વર્ષો બાદ સોનિયા ગાંધી ચૂંટણી પ્રચાર કરતા દેખાવાના છે. 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણી બાદ ખરાબ તબીયત હોવાને કારણે તેઓ કોઈ ચૂંટણી પ્રચારની રેલીમાં ઉપસ્થિત ન હતા. ત્યારે આજે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર સોનિયા ગાંધી કરવાના છે. હુબલીમાં જનસભાને સંબોધિત કરવાના છે. કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા 43 જેટલી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે 13 જેટલા રોડ શો કરવામાં આવ્યા છે.
પીએમ મોદીનો મેગા રોડ-શો!
તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રચારની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભાળી રહ્યા છે. કર્ણાટકમાં મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 17 જેટલા વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે. રવિવારે પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલા એક જ દિવસમાં આ આ રોડ શો યોજાવવાનો હતો. 36.6 કિલોમીટરનો રોડ શો થવાનો હતો પરંતુ લોકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી પ્રોગ્રામને બદલવામાં આવ્યો છે. આજે પીએમ મોદી રોડ શોના માધ્યમથી 17 જેટલા વિધાનસભા ક્ષેત્રોમાં પ્રચાર કરવાના છે. આ રોડ શોનું નામ પાર્ટીએ નમ્મા બેંગલુરુ, નમ્મા હેમ એટલે કે અમારું બેંગલુરૂ, અમારું ગૌરવ. તે ઉપરાંત જનસભાને પણ સંબોધવાના છે. શ્રીકાંતેશ્વનરના પ્રસિદ્ધ મંદિરમાં દર્શન અને પૂજા કરી પોતાનો પ્રચાર ખતમ કરશે તેવી માહિતી હાલ સામે આવી છે.
13 મેના રોજ આવવાનું છે ચૂંટણીનું પરિણામ!
મહત્વનું છે કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર શાબ્દિક પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે પોતાના પ્રચાર દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર અનેક વખત પ્રહાર કર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ કેન્દ્ર સરકાર તેમજ પીએમ મોદી પર નિશાન સાધવામાં આવ્યું છે. ત્યારે આ વખતના પ્રચારમાં ઝેરી સાપ, વિષ કન્યા, નાલાયક બેટા જેવા અનેક આપત્તિજનક શબ્દોનો ઉપયોગ નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે પાર્ટી દ્વારા કરવામાં આવતો પ્રયાસ મતદારોને રિઝવવામાં સફળ થાય છે કે કેમ તે જોવું રહ્યું. કઈ પાર્ટીના શિરે તાજપોશી થશે તે 13 મેના રોજ જ્યારે પરિણામ આવશે ત્યારે ખબર પડશે.