ગણતરીના દિવસો બાદ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી જીત માટે તનતોડ મહેનત કરી રહી છે. મતદારોને રિઝવવા અનેક વચનો આપવામાં આવી રહ્યા છે. પરંતુ અનેક સ્થળો પર ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. 2017માં મતદોરને મળેલા વચનો 2022 સુધી પૂર્ણ ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઠેર-ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે. કલોલ ખાતે પણ સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી ઉપરાંત રાજકોટ ખાતે પણ આવા બેનરો લાગેલા નજરે પડ્યા છે.
પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી સ્થાનિકો નારાજ
ચૂંટણી સમયે પાર્ટી દ્વારા અનેક વાયદાઓ કરવામાં આવે છે. પરંતુ ચૂંટણી જીત્યા બાદ તમામ વાયદાઓ ભૂલાઈ જતા હોય છે. અનેક જગ્યાઓ પર પ્રાથમિક સુવિધા ન હોવાને કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠતો હોય છે. આવો જ રોષ કલોલમાં આવેલ મંગળ ગિરધર પ્રેસના રહેવાસીઓમાં જોવા મળ્યો હતો. અનેક રજૂઆત કરવા છતાં પણ પ્રાથમિક સુવિધા માટે તેઓ ઝઝૂમી રહ્યા છે. નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાંય સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. અનેક સોસાયટીમાં ગંદુ પાણી આવે છે તેમજ લાઈટોનો અભાવ પણ જોવા મળે છે તેને કારણે લોકોએ આ વખતે મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
બેનરો લગાવી ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી
ઉપરાંત આવો જ રોષ રાજકોટના સ્થાનિકોમાં પણ જોવા મળ્યો. રાજકોટના જસદણમાં વિછીયા રોડ પર આવેલી સોસાયટીમાં પણ સ્થાનિકોએ બેનર લગાવી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. વોટ માગવા માટે કોઈએ આવું નહીં તેવા બેનરો લગાડવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણાં સમયથી તેઓ પ્રાથમિક સુવિધા માટે તંત્રને રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઈ ઉકેલ નથી આવ્યો. જેને કારણે ત્યાંના સ્થાનિકોએ પણ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.
રાજકીય પાર્ટીની ચિંતામાં વધારો
ચૂંટણી સમયે આવા બેનરો લાગવાથી રાજકીય પાર્ટીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. સ્થાનિકો પણ પોતાની વાતને લઈ મક્કમ છે કારણ કે ચૂંટણી સમયે જ તેમની સમસ્યા પર ધ્યાન આપવામાં આવતું હોય છે. જો તેમની સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો સ્થાનિકો ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે.