દેશમાં શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે તેનું એક કારણ શાળાઓમાં શિક્ષકોની ઘટ પણ છે. દેશના ગરીબ રાજ્યોમાં તો શિક્ષણની સ્થિતી સૌથી ચિંતાજનક બની છે. કેન્દ્ર સરકારે 2023-24ના બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે રૂ. 1.13 લાખ કરોડની ફાળવણી કરી હતી, જેમાં 2022-23ની સરખામણીમાં શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ પરના અંદાજિત ખર્ચમાં 8.3 ટકાનો વધારો થયો હતો. પરંતુ તાજેતરમાં સંસદમાં પ્રશ્નોના જવાબમાં બહાર આવ્યું કે ભારતમાં શિક્ષણની સ્થિતિ હજુ પણ સારી નથી. તેમાં હજુ ઘણા સુધારાની જરૂર છે. વિદ્યાર્થી-શિક્ષક રેશિયો અને એકલ-શિક્ષક શાળાઓની સંખ્યા પ્રશિક્ષિત શિક્ષકોની અછતની ગંભીર સમસ્યા તરફ નિર્દેશ કરે છે.
ગુજરાતમાં શિક્ષકોની ઘટ ચિંતાજનક
દેશમાં સૌથી ખરાબ વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર ધરાવતા રાજ્યો સૌથી વધુ વસ્તી અથવા ઉચ્ચ વસ્તી ગીચતા ધરાવતા રાજ્યો છે. વિદ્યાર્થી-શિક્ષક રેશિયોની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ અને બિહાર બાદ ઝારખંડ, હરિયાણા અને ગુજરાતનો નંબર આવે છે. બિહારમાં તો 60 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે, દેશના આ રાજ્યોમાં શિક્ષણનું સ્તર સૌથી ખરાબ સ્થિતિમાં છે. આ માત્ર દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો નથી, પણ સૌથી ગરીબ રાજ્યોમાં પણ છે. તેનાથી વિપરીત, ઓછી વસ્તીવાળા રાજ્યોમાં વિદ્યાર્થી-શિક્ષકનો ગુણોત્તર સારો છે. પરંતુ નીચા વિદ્યાર્થી-શિક્ષકનો ગુણોત્તર હોવા છતાં, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને દિલ્હી જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાક્ષરતા દર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે.
ડિજિટલ ઈન્ડિયાની પોકળ વાતો
દેશભરમાં ડિજિટલ ઈન્ડિયાની વાતો ચાલી રહી છે ત્યારે લાખો શાળાઓ હજુ પણ ઈન્ટરનેટ કનેક્ટિવિટીથી દૂર છે. માત્ર દિલ્હી, પોડુંચેરી અને દિલ્હીની શાળાઓ 100 ટકા ઈન્ટરનેટની સુવિધા ધરાવે છે. તે સિવાયના રાજ્યોમાં વિદ્યાર્થીઓ માટે ઈન્ટરનેટની સુવિધા ઝાંઝવાના નીર જેવી છે.