હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત થઈ રહ્યા છે. ગુજરાતમાં પણ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ જાણે સામાન્ય બની ગયા હોય તેવું લાગે છે. પ્રતિદિન સરેરાશ બેથી ત્રણ લોકોના મોત થઈ રહ્યા છે. યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. આ બધા વચ્ચે રાજ્યના બે મંત્રીઓના નિવેદન સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં 1052 લોકોના મોત થયા છે તેવું નિવેદન શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આપ્યું છે. પરંતુ જ્યારે આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મારી પાસે આવા કોઈ આંકડા નથી.
રાજ્યભરમાં શિક્ષકોને અપાશે સીપીઆર ટ્રેનિંગ
કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકનો કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નાની ઉંમરે યુવાનોના મોત હૃદયહુમલાને કારણે થઈ રહ્યા છે. પ્રતિદિન બે-ત્રણ લોકોના મોત સરેરાશ હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકને કારણે યુવાનોના જીવન પર સંકટ તોળાઈ રહ્યું છે. વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આવતી કાલે આપવામાં આવશે. તે ઉપરાંત 17 ડિસેમ્બરે પણ આ ટ્રેનિંગ આપવામાં આવશે. લોકો હસતા રમતા મોતને ભેટી રહ્યા છે. હાર્ટ એટેકે સરકારની ચિંતા વધારી છે.
6 મહિનામાં 1052 લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા!
CPRની તાલીમ આપવા માટેના કાર્યક્રમની જાહેરાત કરતા રાજ્યના શિક્ષણ મંત્રી કુંબેર ડિંડોરે કહ્યું હતું કે, ‘ગુજરાતમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે અને યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે. છેલ્લા છ મહિનામાં 1,052 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે, જેમાં 80% મૃતકોની ઉંમર 11થી 25 વર્ષ છે.’રાજ્યભરના બે લાખથી વધારે શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. તે તમામ શિક્ષકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસ સામે સરકારનું આ પગલું ખૂબ જ મહત્વનું સાબિત થશે.
ઋષિકેશ પટેલે આપ્યું શિક્ષણમંત્રીથી અલગ નિવેદન
એક તરફ શિક્ષણમંત્રીએ હાર્ટ એટેકને કારણે કેટલા લોકોના મોત થયા છે તેની જાણકારી આપી છે જ્યારે આ મામલે જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આવા કોઈ આંકડા તેમની પાસે આવ્યા નથી. ઋષિકેશ પટેલે કહ્યું કે, હાર્ટ એટેક પહેલાં પણ આવતા હતા, પણ અત્યારે મીડિયા દ્વારા હાર્ટ એટેકની જાગૃતિ લાવવામાં આવી છે. આરોગ્ય વિભાગે પણ આની વિસ્તૃત માહિતી યુ.એન મહેતા હોસ્પિટલ દ્વારા જાહેર કરી હતી. હાર્ટ એટેક બાબતે આપણે ત્યાં જાગૃતિ આવી છે. આ બાબતને સરકાર સકારાત્મક રીતે જુએ છે.