લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી ગઈ છે. અનેક બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે અને અનેક બેઠકો માટે ઉમેદવારને જાહેર નથી કરવામાં આવ્યા. જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવશે તેમ તેમ ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરવામાં આવશે. અલગ અલગ કેમ્પેઈન લોન્ચ કરવામાં આવશે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા મેં હું મોદી કા પરિવાર કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. અલગ અલગ નેતાઓ અલગ અલગ વિધાનસભા બેઠકોની મુલાકાત લેશે વગેરે વગેરે.. આ બધા વચ્ચે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. વીડિયોની નીચે આપવામાં આવેલી કમેન્ટ જોવા જેવી છે..!
વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ...
ગુજરાતને આપણે વિકાસશીલ રાજ્ય માનીએ છીએ. ગુજરાત વિકાસનો પર્યાય બની ગયો હોય તેવું સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અનેક વખત એવી વાતો કરવામાં આવતી હોય છે કે ગામડાઓ સુધી પાકા રસ્તા પહોંચ્યા છે, શાળાઓએ છે, નળથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. શિક્ષણ લોકો સુધી પહોંચે છે સહિતની અનેક વાતો આપણે સાંભળી છે. વાત સાચી પણ, અનેક જગ્યાઓ પર વિકાસ થયો છે તેની ના નથી પરંતુ અનેક ગામડાઓ એવા છે જ્યાં હજી સુધી સારા રસ્તા નથી પહોંચી શક્યા.
અંતરિયાળ વિસ્તારમાં હજી સુધી નથી પહોંચ્યો વિકાસ!
રાજ્યના અનેક અંતરિયાળ વિસ્તારો એવા છે જ્યાં સારા રસ્તા તો શું કાચા રસ્તા પણ નથી પહોંચ્યા. આજે પણ જો દર્દીને હોસ્પિટલ ખસેડવા હોય તો ઝોળીમાં તેમને લઈ જવા પડે છે. એવા અનેક દ્રશ્યો આપણી સામે છે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું છે મોદીનો પરિવાર.. જે અંતર્ગત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક જગ્યાની મુલાકાત લીધી. સોશિયલ મીડિયા પર તેમણે વીડિયો પણ પોસ્ટ કર્યો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તે સારા કામો બતાવવાના પ્રયાસો કરી રહ્યા હતા પરંતુ ગુજરાતના અંતરિયાળ વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિને તે છુપાવી ના શક્યા!
કુબેર ડિંડોરે વીડિયો શેર કર્યો અને લોકો
વીડિયો શેર કર્યો તેની પર લોકોએ કમેન્ટ કરી છે. કોઈએ લખ્યું છે કે રોડ જોરદાર છે. તો કોઈએ કમેન્ટ કરી કે બોલો વીડિયોમાં કાચા રસ્તા દેખાય છે તોય વિકાસ વિકાસ કરે છે. તો કોઈએ લખ્યું સાહેબ આપનો જ વીડિયો બતાવે છે કે કેટલો વિકાસ થયો છે. રસ્તા નથી, સ્કુલ નથી આપના વીડિયોમાં બધુ દેખાઈ ગયું. થેંક્યું. શિક્ષણ મંત્રીના વીડિયોમાં કોઈએ શિક્ષકોને લઈ પણ કમેન્ટ કરી છે.