શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા હતા. કરાર આધારિત ભરતીને રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ હતી. જ્ઞાનસહાયક યોજના નાબુદ કરવામાં આવે તે માટે સરકારને, શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી સહિતના નેતાઓને, પદાધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ તેમની વાત સાંભળવામાં આવી ન હતી.
કુબેર ડિંડોરે શિક્ષકોની કાયમી ભરતીને લઈ કહી આ વાત
ત્યારે ગઈકાલે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે ઉમેદવારોને કહી રહ્યા હતા કે, "જ્ઞાન સહાયકમાં જેમને જોડાવું હોય તે જોડાઈ શકે છે. જો ન જોડાવું હોય તો ઘરે બેસી રહો, કાયમી ભરતી પણ કરવામાં આવશે." ત્યારે વાયરલ વીડિયો અંગે તેમણે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે જે વીડિયો સામે આવ્યો છે તે અડધો છે. વધુમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે, કાયમી ભરતી જલ્દી થશે! આ જ્ઞાન સહાયક એ વૈકલ્પિક વ્યવસ્થા છે"
ગઈકાલે ઉમેદવારોએ કરી હતી શિક્ષણમંત્રીને રજૂઆત
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવા માટે તેમણે સરકારને અનેક વખત રજૂઆત કરવાની કોશિશ કરી હતી. પત્ર લખીને, રજૂઆત કરીને તેમણે પોતાની વાત કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમની વાતને, તેમની રજૂઆતને સાંભળવામાં આવી નથી. પોતાની માગ સાથે તેઓ સાધુ-સંતોના શરણે પણ ગયા હતા કે તેમની વાત તેઓ સાંભળશે. ગઈકાલે ટેટ ટાટ પાસ ઉમેદવારો શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પાસે પોતાની રજૂઆત લઈને ગયા હતા. એક બાજુ તેમને જ્ઞાન સહાયક યોજના સામે વાંધો છે અને બીજી બાજુ તેઓએ શિક્ષણમંત્રીને સવાલ કર્યો હતો કે તમે કાયમી ભરતી વિશે તો ત્રણ મહિનાથી વાત કરી રહ્યા છો અને અમે પણ ત્રણ મહિનાથી સાંભળી રહ્યા છીએ તો કાયમી ભરતી આવશે તો આવશે ક્યારે?
જે વીડિયો સામે આવ્યો છે તે અડધો છે - કુબેર ડિંડોર
વિદ્યાર્થીઓએ સવાલ કર્યો હતો કે કાયમી શિક્ષકો માટે પ્રવાસી શિક્ષકોની ભરતી બહાર પાડી હતી તો હવે તમારે જ્ઞાન સહાયક નામની પેટા વૈકલ્પિક તરીકે પાછી કેમ લાવવી પડી? વિદ્યાર્થીઓએ શિક્ષણમંત્રીને ઘેરીને રજૂઆત કરી હતી કે મહેકમ પ્રમાણે કાયમી ભરતી જાહેર કરો જો તમે એવું કરતા હો તો અમે ત્રણ ચાર મહિના પગાર વગર પણ કામ કરવા તૈયાર છીએ, ત્યારે શિક્ષણમંત્રીનો જવાબ કંઈક આવો હતો. "ઘણા સમયથી ભરતી ન થઈ હોવાના કારણે શિક્ષણ વિભાગમાં હાલ કાયમી શિક્ષકોની અતિ જરૂર છે. તેની ઘટ પૂરી કરવા માટે શિક્ષણ વિભાગ પ્રવાસી શિક્ષકો અને જ્ઞાન સહાયક જેવી ભરતી બહાર પાડી રહ્યા છે જેથી સરકારની તિજોરીમાં વધારે ભારણ ન પડે." ત્યારે આજે શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે જે વીડિયો સામે આવ્યો છે તે અડધો છે.