ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતના શિક્ષણના મુદ્દાને પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત મોડલના શિક્ષણનો પરચો વિધાનસભાના આંકડામાં ગુજરાતે જોયો હતો જેમાં મોટા ભાગની ગુજરાતી શાળાઓ 1 શિક્ષકના ભરોસે ચાલતી હતી. ત્યારે ભાવનગરથી શાળાના સફાઈ કર્મચારી પાસેથી આચાર્યએ અડધી ગ્રાન્ટ માગી હતી. સફાઈ કર્મચારીએ આચાર્ય સહિત તાલુકા વિકાસ અધિકારી અને ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી પર પણ આક્ષેપ કર્યા છે.
ગ્રાન્ટના અડધા તારા, અડધા મારાઃ આચાર્ય
શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના વિસ્તારની પડવી પ્રાથમિક શાળાના સફાઈકર્મચારી હિંમત ચૌહાણે આચાર્ય પર આક્ષેપ લગાવ્યો છે કે બે માસની સફાઈની ગ્રાન્ટમાંથી આચાર્યએ અડધી ગ્રાન્ટની માગણી કરી છે. સફાઈ કર્મચારીનો આક્ષેપ છે કે આચાર્યએ ધમકી આપી હતી કે જો ગ્રાન્ટ નહીં આપે તો તને જોઈ લઈશ. રોષે ભરાયેલા સફાઈ કર્મચારીએ પણ તાલુકા વિકાસ અધિકારી અને ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી સુધી ફરીયાદ કરી હતી, પરંતુ અધિકારીઓએ તપાસનો વાયદો કરી કોઈ તપાસ કરી નથી તેવો આક્ષેપ કરતો વીડિયો વાયરલ કર્યો છે.
TDO અને DDOએ કહ્યું દોડવું હોય એટલું દોડી લોઃ સફાઈકર્મી
સફાઈ કર્મચારી હિંમત ચૌહાણે વીડિયો બનાવી તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે. સફાઈકર્મચારી આક્ષેપ કરી રહ્યા છે કે TDO અને DDOએ તેમને જવાબ આપ્યો છે કે દોડવું હોય એટલું દોડી લો કંઈ નહીં થાય.
ગ્રાન્ટમાંથી 5 હજાર રૂપિયાની આચાર્યએ માગી લાંચઃ સફાઈકર્મચારી
ભાવનગરની શાળામાં સફાઈકર્મચારીએ જણાવ્યું હતું કે, બે મહિનાની સફાઈ માટેની 10 હજાર ગ્રાન્ટ મળે છે પણ આચાર્ય 5 હજાર પોતાની પાસે રાખવાની વાત કરે છે. સફાઈ કર્મચારીનું કહેવું છે કે અત્યારની મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ છે અઢી હજારમાં કેમ ઘર ચલાવવું. ત્યારે પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યા 500થી વધુ હોય તો શાળાને માસિક 5 હજાર રૂપિયાની ગ્રાન્ટ મળે છે. આચાર્યના વાંકે વિદ્યાર્થીઓ સફાઈ કરવા મજબૂર બની રહ્યા છે.