રાજ્યમાં ખાદ્ય ચીજોમાં ભેળસેળએ નવી વાત નથી, લોકોના ખાવા-પીવાની તમામ ચીજોમાં ભયાનક હદે મિલાવટ થઈ રહી છે. લોકોને પૈસા ખર્ચીને પણ ગુણવત્તાયુક્ત અને અસલી ખાદ્યચીજો મળતી નથી. તાજેતરમાં નકલી પનીર, નકલી મરચું, નકલી હળદર, નકલી વરિયાળી, નકલી જીરું વેચાતું હોવાનું કૌભાંડ ઝડપાયું છે. અગાઉ નકલી દૂધ બાબતે ઘણા સમાચારો સામે આવી ગયા છે. વડોદરા શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્યતેલ કૌભાંડ ઝડપાયું છે.
593 લીટર ખાદ્યતેલનો જથ્થો સીઝ
વડોદરા શહેરમાં આરોગ્ય ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, શહેરના નાની શાક માર્કેટ અને કડક બજારની દુકાનોમાંથી લેવામાં આવેલા ખાદ્યતેલના પાંચ નમૂના આરોગ્ય માટે હાનિકારક સાબિત થયા છે, કેમ કે હાલમાં જ ફૂડ એનાલિસ્ટ પબ્લિક હેલ્થ લેબૉરેટરીના ટેસ્ટિંગ રિપોર્ટમાં આ તમામ નમૂના ફેલ નીકળ્યા છે. આ સાથે જ મોટી કાર્યવાહી કરતા ટીમે 76 હજારની કિંમત 593 લીટર ખાદ્યતેલનો જથ્થો સીઝ કરી દીધો હતો.
તેલના વેપારીઓ સામે થશે કાર્યવાહી
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફૂડ લેબૉરેટરીના રિપોર્ટમાં તેલના આ તમામ નમૂના ફેઇલ નીકળતાની સાથે જ નાની શાક માર્કેટમાંથી સિદ્ધિવિનાયક સિંગતેલ ડેપોની દુકાનમાંથી રિફાઇન્ડ કપાસીયા તેલ સીઝ કરવામાં આવ્યુ છે. ખોરાક શાખાની ટીમે લીધેલા આ નમુનાઓ ફેઇલ થયા છે. ફૂડ લેબૉરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ નાની શાકમાર્કેટના સિદ્ધિવિનાયક સીંગતેલ ડેપો, અમરનાથ ટ્રેડિંગ કંપની અને કડક બજારમાં આવેલા શાહ કલ્યાણ પ્રસાદ ગ્યાસીરામ નામની દુકાનના વેપારીઓ સામે હવે કાર્યવાહી કરવામાં આવશે.