મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. પ્રતિદિન કોઈને કોઈ જીવન જરૂરીયાતની વસ્તુમાં ભાવ વધારે થતો હોય છે. કોઈ વખત તેલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધના ભાવમાં વધારો થાય છે. ત્યારે સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભાવ વધારો થયો છે. સતત ત્રીજા દિવસે ભાવમાં વધારો થયો છે. ત્રણ દિવસમાં 100 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે જેને કારણે સીંગતેલના ડબ્બાનો ભાવ ત્રણ હજારને આસપાસ પહોંચી ગયો છે.
ત્રણ દિવસમાં થયો 100 રુપિયાનો ભાવ વધારો!
એક તરફ લોકોની આવક સતત ઘટતી જઈ રહી છે તો બીજી તરફ મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. અનેક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં 100 રુપિયાનો ભાવ સિંગતેલમાં વધ્યો છે. મગફળી અને કપાસની આવક ઓછી થવાને કારણે તેલના ભાવમાં ભડકો થયો છે. ભાવ વધતા ડબ્બાની કિંમત 2860થી વધીને 2960 થઈ ગઈ છે. માત્ર ત્રણ દિવસમાં સો રૂપિયાનો ભાવ વધતા મધ્યમ પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. બજેટ ખોરવાઈ ગયું છે.
સિંગતેલના ભાવમાં જ કરાયો છે વધારો!
મહત્વનું છે કે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. આ દિવસો દરમિયાન તેલની માગ પણ સામાન્ય કરતા વધતી હોય છે. ત્યારે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલો ભાવ વધારો ગૃહિણીના બજેટ પર સીધી અસર કરી શકે છે. ત્રણ હજારની આસપાસ સિંગતેલના ભાવ પહોંચી ગયા છે. કપાસિયા તેલના ભાવમાં ગયા અઠવાડિએ વધારો નોંધાયો હતો. છેલ્લા એક અઠવાડિયામાં 50થી 60 રુપિયાનો ભાવવધારો થયો છે. સિંગતેલ સિવાય બીજા કોઈ તેલના ભાવમાં વધારો નથી કરવામાં આવ્યો.
મધ્યમ પરિવારને ભાવ વધારાની થાય છે સીધી અસર!
ઉનાળા દરમિયાન પડેલા વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. માવઠાને કારણે માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસની આવક ઓછી થઈ છે. ખાદ્યતેલોના ભાવમાં ધરખમ વધારો થતાં મધ્યમ પરિવારને મોંઘવારી વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ઉનાળા પાકને મોટા પાયે અસર થઈ છે.