દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે, કમ્મરતોડ મોંઘવારીથી સામાન્ય લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે બે છેડા ભેગા કરવાનાં પણ ફાંફાં પડી રહ્યા છે. માણસને બે ટંકના ભોજન માટે અનિવાર્ય એવા ઘઉં, દુધ બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ ભડકો થયો છે. રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર ઉછાળો થયો છે, પરિણામે મધ્યવર્ગીય પરિવારોની સ્થિતિ પડ્યા પર પાટા જેવી થઈ છે.
ખાદ્યતેલના ભાવ આસમાને
સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના પગલે તેલનો ડબ્બો 3000ની નજીક પહોંચી ગયો છે. રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો છે. રાજકોટમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2,945 રૂપિયાએ પહોંચ્યો છે જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1,890એ પહોંચ્યો છે જ્યારે બીજી તરફ પામોલિન તેલના ભાવમાં પણ સપ્તાહમાં 120 રૂપિયાનો વધારો થયો છે. પામોલિન તેલના ભાવ હજુ પણ વધશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.