ચાઈનીઝ મોબાઈલ હેન્ડસેટ કંપની Xiaomi સામે પ્રવર્તન નિર્દેશાલય (ED)એ કડક કાર્યવાહી કરતા 5,551.27 કરોડની ડિપોઝીટસ જપ્ત કરી હતી. ઈડીએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ભંગ કરવાના ગુનામાં Xiaomi વિરૂધ્ધ તપાસ કરી હતી ત્યાર બાદ ઈડીએ સપાટો બોલાવતા ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી રકમ ટાંચમાં લીધી છે. ઈડીએ Xiaomi સામે FEMAની કલમ 37A અંતર્ગત ડિપોઝીટસ જપ્ત કરવાનો આદેશ કર્યો હતો.
Xiaomi સામેની તપાસમાં EDએ શું ખુલાસો કર્યો?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે ‘કંપની દ્વારા કરાયેલા ગેરકાયદેસર આઉટવર્ડ રેમિટન્સ’ના સંબંધિત કેસમાં ચાઇનીઝ ગેજેટ જાયન્ટની કંપનીના ભારતીય એકમ Xiaomi ઇન્ડિયા પાસેથી રૂ. 5,551.27 કરોડ જપ્ત કર્યા છે. કંપની પર ફેમાના ભંગની સાથે મની લોન્ડરિંગનો પણ આરોપ છે.
ઇડીએ જણાવ્યું હતું કે કથિત ગેરકાયદેસર રેમિટન્સની તપાસ આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવી હતી. કંપનીએ ત્રણ વિદેશી સંસ્થાઓને રૂ. 5,551.27 કરોડની સમકક્ષ ફોરેન કરન્સી મોકલ્યું છે. આ ત્રણ કંપનીઓમાંથી એક Xiaomi ગ્રૂપની કંપનીનો સમાવેશ થાય છે, જેને રોયલ્ટીના આડમાં આ પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ સિવાય અન્ય બે અમેરીકા સ્થિત સંબંધિત ન હોય તેવી કંપનીઓને મોકલવામાં આવેલી રકમ પણ અંતે Xiaomi ગ્રૂપને જ અંતિમ ફાયદા માટે મોકલવામાં આવી હતી, તેમ એજન્સીએ જણાવ્યું હતું.
રોયલ્ટીના આડમાં આ પૈસા ટ્રાન્સફર કર્યા
ઈડીએ કહ્યું કે,Xiaomiના ભારતીય એકમે તેની પેરેન્ટ કંપનીના કહેવાથી રોયલ્ટીની આડમાં આ રકમ આ કંપનીઓને ટ્રાન્સફર કરી હતી. ઈડીએ તેના નિવેદનમાં કહ્યું કે શાઓમી ઈન્ડિયા ભારતમાં જ મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ પાસેથી સંપૂર્ણપણે બનેલા હેન્ડસેટ ખરીદે છે. તેણે વિદેશમાં કામ કરતી આ ત્રણે કંપનીઓની કોઈ સર્વિસ લીધી નથી, જેના નામ પર તેણે રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. કંપનીએ અનેક નકલી દસ્તાવેજ બનાવીને રોયલ્ટીના નામે આ રકમ મોકલી છે, જે ફામાની કલમ-4નો ભંગ છે. ફેમાની કલમ-4 વિદેશી ચલણના હોલ્ડિંગ સાથે સંકળાયેલી છે. ઈડીનું કહેવું છે કે આ સિવાય કંપનીએ વિદેશમાં નાણાં મોકલતી વખતે બેન્કોને અનેક ‘ભ્રામક માહિતી’ આપી હતી.