હિન્દી અને સાઉથ સિનેમાના દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગુરુવારે પોન્ઝી મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે અને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. પ્રણવ જ્વેલર્સ કેસને લઈને પ્રકાશ રાજને સમન્સ મોકલવામાં આવ્યા છે. અભિનેતા પ્રણવ જ્વેલર્સનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેમના માટે જાહેરાતો કરે છે. આવી મામલે હવે ED પ્રકાશ રાજની પૂછપરછ કરશે. ઉલ્લેખનિય છે કે આ અંગે અભિનેતા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. હવે જોવાનું એ રહે છે કે પ્રકાશ રાજ આ મામલે ક્યારે પોતાનું નિવેદન આપે છે અને સ્પષ્ટતા આપે છે.
ગોલ્ડ સ્કીમના નામે કરોડોની છેતરપિંડી
EDએ પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સ મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ત્રિચી સ્થિત પાર્ટનરશિપ ફર્મ પ્રણવ જ્વેલર્સ વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં અભિનેતા પ્રકાશ રાજને સમન્સ જારી કર્યુ છે. ED હવે આ કેસમાં પ્રકાશ રાજની પૂછપરછ કરશે. પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સ માટે જાહેરાત કરે છે. ઉલ્લેખનિય છે પ્રકાશ રાજ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સરકાર વિરૂધ્ધ અવારનવાર નિવેદનો આપતા રહે છે. પ્રણવ જ્વેલર્સ પર ગોલ્ડ સ્કીમના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. ઇડીની ત્રિચી ઇકોનોમિક ઓફેન્સીસ વિંગે પણ પ્રણવ જ્વેલર્સ સામે કેસ નોંધ્યો હતો. પ્રકાશ રાજ આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે.
શું છે સમગ્ર મામલો?
તમિલનાડુના ત્રિચી સ્થિત પાર્ટનરશિપ ફર્મ પ્રણવ જ્વેલર્સે ઉચ્ચ વળતરના વચન સાથે સોનામાં રોકાણ યોજનાની આડમાં લોકો પાસેથી કથિત રીતે 100 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ પ્રણવ જ્વેલર્સનો બ્રાન્ડ એમ્બેસેડર હતો અને આ કેસમાં "તપાસ હેઠળ" છે. EDએ સોમવારે કથિત પોન્ઝી સ્કીમ ચલાવવાના આરોપમાં કંપની પર દરોડા પાડ્યા હતા. બુધવારે જારી કરાયેલા એક નિવેદનમાં, EDએ જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રણવ જ્વેલર્સ અને અન્ય સંલગ્ન વ્યક્તિઓએ બુલિયન/ગોલ્ડ જ્વેલરી ખરીદવાની આડમાં નકલી સંસ્થાઓ/પ્રવેશ પ્રદાતાઓને જાહેર ભંડોળ ટ્રાન્સફર કરીને લોકો સાથે છેતરપિંડી કરી હતી.
EDના દરોડામાં લાખો બેનામી પ્રોપર્ટી પકડાઈ
ED એ તેના નિવેદનમાં આગળ કહ્યું કે- તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે પ્રણવ જ્વેલર્સના પુસ્તકોમાં સપ્લાયર પક્ષો એન્ટ્રી પ્રોવાઈડર હતા, જેમણે તપાસ દરમિયાન પ્રણવ જ્વેલર્સ અને બેંકોમાં 100 કરોડ રૂપિયાથી વધુની રકમ માટે એડજસ્ટમેન્ટ કર્યાની કબૂલાત કરી હતી. ચુકવણીના બદલામાં આરોપીઓને રોકડ આપવાની પણ કબૂલાત કરી હતી. સોમવારે દરોડા દરમિયાન, એજન્સીને ઘણા દસ્તાવેજો મળી આવ્યા હતા, 23.70 લાખ રૂપિયાની રોકડ, 11.60 કિલો વજનના બુલિયન/સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.