દિલ્હીના મુખ્યમંત્રીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. દિલ્હી એક્સાઈઝ પોલીસી કેસ મામલે ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને પૂછપરછ માટે બોલાવ્યા છે. પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલે 2 નવેમ્બરે હાજર થવાનું છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે આની પહેલા સીબીઆઈએ બોલાવ્યા હતા. એપ્રિલ મહિનામાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે હવે ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.
ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રીને પૂછપરછ માટે પાઠવ્યું સમન્સ
દિલ્હી આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજીને ફગાવી દીધી હતી. તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ ઘણા મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા છે. જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ તેને ફગાવી દેવામાં આવી છે. મનીષ સિસોદિયાની મુશ્કેલી ઓછી નથી થઈ ત્યારે તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે તેવી સંભાવના છે. ઈડીએ સીએમને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. 2 નવેમ્બરના રોજ તેઓ જવાબ આપવા હાજર થવાના છે.
આપને લાગે છે કે અરવિંદ કેજરીવાલની થઈ જશે ધરપકડ!
એક તરફ દિલ્હીના મુખ્યમંત્રીને ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવશે. આપ નેતાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અમને માહિતી મળી રહી છે કે ઈડી સમક્ષ જ્યારે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર થશે ત્યારે તેમની ધરપકડ કરી લેવામાં આવશે. પીએમ મોદી અને બીજેપી આપને ખતમ કરવા માંગે છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ એટલા માટે નહીં કરાય કારણ કે તેમની સામે કોઈ કેસ છે, પરંતુ એટલા માટે કરાશે કારણ કે પીએમ તેમનાથી ડરે છે.
સત્તાનો દુરૂપયોગ કરાય છે તેવા આક્ષેપો વિપક્ષ દ્વારા કરાયા છે
ઉલ્લેખનિય છે કે વિપક્ષ દ્વારા ઘણી વખત એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે સત્તાનો દુરુપયોગ કરવામાં આવે છે. તપાસ એજન્સીનો દુરૂપયોગ કરવામાં આવે છે. એવું પણ વિપક્ષી પાર્ટી દ્વારા કહેવામાં આવે છે કે જ્યાં જ્યાં ચૂંટણી હોય છે ત્યાં ત્યાં તપાસ એજન્સી દ્વારા રેડ પાડવામાં આવે છે. મહત્વનું છે કે એવા અનેક દાખલા, એવા અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં પહેલા પૂછપરછ માટે બોલાવવામાં આવે છે અને પછી તેમની ધરપકડ કરી લેવામાં આવે છે. હવે જોવું રહ્યું કે 2 નવેમ્બરે જ્યારે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર થાય છે ત્યારે શું થાય છે.. ?