છત્તીસગઢમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કાર્યવાહી કરીને IAS અધિકારી સમીર બિશ્નોઈ સહિત કોલસાના ત્રણ વેપારીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને રાયપુર સ્પેશિયલ કોર્ટમાં હાજર કર્યા હતા. IAS સમીર બિશ્નોઈના ઘરેથી 4 કિલો સોનું, 20 કેરેટના હિરા અને 47 લાખની રોકડ રકમ મળી હતી. આ સોનાની કિંમત માર્કેટમાં 2 કરોડ રૂપિયાથી વધુ કહેવામાં આવી રહી છે. IAS અધિકારીને રિમાન્ડ બાદ દિલ્લી લઈ જવામાં આવશે.
છત્તીસગઢમાં ત્રણ દિવસથી થઈ રહી છે ઈડીની કાર્યવાહી
છત્તીસગઢના અનેક શહેરોમાં ગત મંગળવારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી ચાલુ છે. આ દરમિયાન IAS અધિકારીના ઘરેથી મોટી માત્રામાં વસ્તુઓ જપ્ત થઈ હતી. આ બધી વસ્તુઓ ક્યાંથી આવી તે મામલે હાલ તપાસ ચાલી રહી છે. રિમાન્ડમાં અધિકારી પાસે આટલા પ્રમાણ સોનું અને હિરા ક્યાંથી આવ્યા તે મામલે પૂછપરછ કરવામાં આવશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના લગભગ 200થી વધુ જવાનો છત્તીસગઢ પહોંચી ગયા છે. છત્તીસગઢના રાયપુર, રાયગઢ, બિલાસપુર, કોરબામાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કોલસા અને રેતી માફિયાઓને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરી રહી છે.