આજે વહેલી સવારે પંજાબના અમૃતસરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, પંજાબના અમૃતસરથી 145 કિમી ઉત્તર-પશ્ચિમમાં સવારે 3.42 કલાકે ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ જમીનની નીચે 120 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
નોંધનીય છે કે ઉત્તર ભારતના મધ્યમાં થોડા દિવસોમાં ધરા ઘણી વખત ધ્રૂજી છે. ગત સપ્તાહે દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે હિમાલયના ક્ષેત્રમાં ટેકટોનિક પ્લેટોની અસ્થિરતાને કારણે ઉચ્ચ તીવ્રતાના ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીના ભૂસ્તરશાસ્ત્રી અજય પોલે જણાવ્યું હતું કે ભારતીય પ્લેટ પર યુરેશિયન પ્લેટના સતત દબાણને કારણે તેની નીચે સંગ્રહિત ઊર્જા સમયાંતરે ભૂકંપના સ્વરૂપમાં બહાર આવે છે.
છેલ્લા 100 વર્ષમાં ચાર મોટા ભૂકંપ
છેલ્લા 100 વર્ષો દરમિયાન હિમાલયના ક્ષેત્રમાં ચાર મોટા ભૂકંપ નોંધાયા છે. જેમાં 1897માં શિલોંગ, 1905માં કાંગડા, 1934માં બિહાર-નેપાળ અને 1950માં આસામનો સમાવેશ થાય છે. જે બાદ 1991માં ઉત્તરકાશી, 1999માં ચમોલી અને 2015માં નેપાળમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો.