અમરેલીના સાવરકુંડલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક વાર નહીં પરંતુ ત્રણ વખત મીતીયાળાની ધરા ધ્રૂજી ઉઠી હતી. સવારના 7.52, 7.53 અને 7.55 કલાકે આ આંચકા અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ પર આ આંચકાની તિવ્રતા 3.2 આસાપાસ નોંધાઈ હતી. 5 મિનીટના સમયગાળામાં 3 વખત ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ગ્રામજનો ઘરની બહાર દોડી આવ્યા હતા.
5 મિનીટમાં આવ્યા ત્રણ ભૂકંપના આંચકા
રાજ્યના અનેક શહેરોમાં અનેક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. અનેક આંચકા એકદમ તીવ્ર હોય છે તો અનેક વખત સામાન્ય આંચકાનો અનુભવ થતો હોય છે. ત્યારે અમરેલીના સાવરકુંડલાના મીતીયાળામાં ધરતીકંપનો અનુભવ થયો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી પરંતુ ત્રણ વખત આંચકા આવવાને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. માત્ર 5 મિનીટની અંદર ધરા ત્રણ વખત ધ્રૂજી હતી.ધરતીકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ગાંધીનગરથી આવેલી ટીમે કરી હતી તપાસ
છેલ્લા બે મહિનાથી આ ગામોમાં અનેક વખત ભૂકંપનો અનુભવ થયો છે. મીતીયાળા સહિત બાગોયા, સાકરપરા, ધજડી જેવા શહેરોમાં પણ ભૂકંપનું પ્રમાણ વધ્યું છે. 30 જાન્યુઆરીએ દુધઈ અને ખાવડા પાસે ભૂંકપ અનુભવાયો હતો જેમાં 4.2ની તીવ્રતા હતી જ્યારે ખાવડા પાસે આવેલા ભૂકંપની તીવ્રતા 3.2 હતી. બે અઠવાડિયા પહેલા ગાંધીનગરથી સિસમોલોજી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે આ સ્થળની મુલાકાત લીધી હતી અને જમીનમાં થતી ગતિવિધીઓની જાણકારી આપી હતી. ભૂકંપના આંચકા ભલે સામાન્ય હોય પરંતુ વારંવાર ધરા હલવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.