ગુજરાત પર ઝંઝાવાતી બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ભયાનક ચક્રવાતથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યનું વહીવટી તંત્ર પણ વાવાઝોડાનો સામનો કરવા માટે સાબદુ બન્યું છે ત્યારે આજે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
3.2 ની તિવ્રતાનો ધરતીકંપ
કચ્છમાં આજે સાંજે 5.05 વાગ્યે બપોરના સમયે 3.2 ની તિવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. ભચાઉથી 5 કિલોમીટર દુર ભૂકંપનું કેન્દ્ર નોંધાયું હતું. હાલ સમગ્ર તંત્ર એલર્ટ પર પણ છે. જો કે હજી સુધી કોઇ જાન માલના નુકસાન અંગેના સમાચાર મળ્યા નથી.
વાવાઝોડાની શું છે સ્થિતી?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલે 15 જૂને સાંજે જખૌની આસપાસ અથડાશે. વાવાઝોડું હજુ પણ જખૌથી 280 કિમીના અંતરે છે. દ્વારકાથી 290 અને નલિયાથી 300 કિમી દૂર છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ‘વાવાઝોડું સિવિયર સ્ટોર્મ છે, હાલ તેની સ્થિતિ અરબી સમુદ્રમાં ઉત્તર-પૂર્વમાં છે.’15મીની સાંજે વાવાઝોડું કેટલા વાગ્યે ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે તે અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ પણ હવામાન વિભાગ આપ્યો છે. જો કે, તેમાં સંભાવનાઓ જ વ્યક્ત કરવામાં આવી છે.