ધરતીકંપના આંચકાઓને કારણે અનેક વખત તબાહીના દ્રશ્યો સામે આવતા હોય છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા અફઘાનિસ્તાનમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં હજી સુધી 4 હજાર જેટલા લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. આ ભૂકંપમાં લગભગ 13 હજારથી વધારે ઘરે તૂટી પડ્યા છે. 9 હજારથી વધારે લોકો આ ભૂકંપને કારણે ઈજાગ્રસ્ત થયા છે. આ કુદરતી આફતને પહોંચી વળવા અનેક બચાવની ટીમ પણ કામ પર લાગી હતી. રાહત બચાવ કામગીરી ચાલી હતી.
ભૂકંપને કારણે થયા 4 હજાર લોકોના મોત
અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં શનિવારે આવેલા 6.3ની તીવ્રતાના ભૂકંપના બે આફ્ટરશોકમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટીએ 2000 લોકોના મોત થયા છે તેવી જાણકારી આપી હતી. એવી આશંકા પણ હતી કે આ મૃત્યુઆંક વધી પણ શકે છે. ત્યારે હાલ આ મૃત્યુઆંક 4 હજારને પાર પહોંચી ગયો છે. આ ધરતીકંપને કારણે અનેક લોકો બેઘર બન્યા છે જ્યારે હજારો લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
કુદરતી આફત સહન કરવા લોકો મજબૂર!
કુદરતી આફત આગળ માણસ લાચાર છે તેવું આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ. કુદરત જ્યારે આપણાથી નારાજ થાય, કુદરત રૂઠે ત્યારે વિનાશ સર્જાય છે તેવું આપણે ઘણી વાર સાંભળ્યું હશે. ત્યારે કુદરતી આફતનો સામનો અફઘાનિસ્તાન કરી રહ્યું છે. શનિવારે આવેલા ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો કુદરતી માર સહન કરવા મજબૂર બન્યા છે.
ક્યાં અનુભવાયા હતા ભૂકંપના આંચકા?
અમેરિકાના જીઓલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ કે દેશના વિવિધ ભાગોમાં 6.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી ઉત્તર-પશ્ચિમમાં 40 કિલોમીટર દૂર હતું. બાદમાં 5.5ની તીવ્રતાનો આંચકો પણ અનુભવાયો હતો. સર્વેક્ષણની વેબસાઈટ પર આ અંગે પોસ્ટ કરવામાં આવી હતી.