કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા આવેલી છે જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં પ્રવાસીઓને અગવડ ન પડે તે માટે અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી. પરંતુ સમય જતા શરૂ કરવામાં આવેલી સુવિધાઓ બંધ કરી દેવામાં આવી રહી છે. પહેલા સી પ્લેન બંધ થયું ત્યારે હવે ઈલેક્ટ્રિક રીક્ષાઓ પણ બંધ કરી દેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. રિક્ષાઓ તેમજ ચાર્જિંગ સ્ટેશનમાં બની રહેલી આગની ઘટનાઓને લઈ આ સેવા બંધ કરવાનો નિર્ણય એજન્સી દ્વારા લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો ઈ-રિક્ષા બંધ થશે તો અનેક મહિલાઓ બેરોજગાર થઈ શકે છે.
રિક્ષાઓમાં આગ લાગતા લેવાયો નિર્ણય!
દિવસેને દિવસે પ્રદૂષણ વધતું જઈ રહ્યું છે. ત્યારે પ્રદુષણને અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે કેવડિયામાં પ્રદુષણ ઓછું થાય તે માટે ઈ-રિક્ષા શરૂ કરવામાં આવી હતી. 100 જેટલી ઈ-રિક્ષાઓ શરૂ કરવામાં આવી હતી જેને કારણે મહિલાઓને રોજગાર મળી રહેતો હતો. ત્યારે મળતી વિગતો અનુસાર ઈ-રિક્ષાઓને બંધ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિક્ષામાં અનેક વખત આગ લાગવાની ઘટનાઓ સામે આવતા આ નિર્ણય લેવાયો હોય તેવું લાગી રહ્યું છે.
પ્રદુષણ નિયંત્રણને ધ્યાનમાં રાખી શરૂ કરાઈ હતી ઈ-રિક્ષા
ચાર્જિંગ સ્ટેશનમાં તેમજ રિક્ષાઓમાં આગ લાગવાને કારણે આ સુવિધા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આગ લાગવાને કારણે 30 જેટલી રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ હતી. મહત્વનું છે કે કેવડિયામાં ઈલેક્ટ્રીક વાહનો શરૂ કરવાનો આદેશ કેન્દ્ર સરકાર તરફથી આવ્યો હતો. જે બાદ આનો કોન્ટ્રાક્ટ KETOને સોંપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ઈ રિક્ષાઓ બંધ થવાથી પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે કારણ કે 43 જેટલી બસો કાર્યરત છે.
સી-પ્લેન સેવા પણ બંધ કરી દેવાઈ!
અમદાવાદથી સીધું કેવડિયા પહોંચી શકાય તે માટે સાબરમતી રિવરફન્ટથી કેવડિયા કોલોની સુધી સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. પરંતુ 2020માં શરૂ કરવામાં આવેલી આ સેવા બંધ કરી દેવામાં આવી છે. કરોડોનો ખર્ચ આ સેવાને શરૂ પાછળ કરવામાં આવ્યો હતો. આની પાછળ 13.15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઘણા સમયથી બંધ પડેલી આ સેવા આવનાર દિવસોમાં ફરી શરૂ થશે કે નહીં તે અંગે કોઈ માહિતી નથી. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલતી ઈ-રિક્ષાની સર્વિસ પણ ટૂંક સમયમાં બંધ કરી દેવાઈ શકે છે.