આવતીકાલથી ગુજરાત વિધાનસભામાં સત્રનો પ્રારંભ થવાનો છે. આ વિધાનસભાનું સત્ર સામાન્ય સત્ર જેવું નહીં હોય. ડિઝિટલાઈઝેશન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભા માટે મહત્વનો દિવસ છે કારણ કે ગુજરાત વિધાનસભામાં પેપરલેસ સિસ્ટમની શરૂઆત થવાની છે. આવતીકાલે ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર શરૂ થવાનું છે અને તમામ કાર્યવાહી ઈ-વિધાનસભા અંતર્ગત થશે. એટલે હવેથી 15મી વિધાનસભામાં કાગળના ઉપયોગની જગ્યાએ વિદ્યુત યંત્રોનો ઉપયોગ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભા બનશે દેશની પ્રથમ ઈ-વિધાનસભા
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પેપરલેસ વિધાનસભાનું લોન્ચિંગ કરશે અને વિધાનસભા પણ સંબોધશે. ઈ-વિધાનસભા સહિત રાષ્ટ્રપતિ આયુષ્યમાન ભવઃ એપનું પણ લોન્ચિંગ કરશે. આજે રાષ્ટ્રપતિ ગુજરાતના અમદાવાદ ખાતેના સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથક પર ઉતરશે. આવતીકાલે બપોરે 12 કલાકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રમાં સંબોધન કરશે. ઈ વિધાનસભા એપ્લિકેશન હેઠળ ગુજરાત વિધાનસભા ભારતની પહેલી ઈ-વિધાનસભા બનશે. જો કે ઉત્તરાખંડે ઈ વિધાનસભાનો નિર્ણય કર્યો છે પણ હજુ સુધી એ લાગુ નથી થઈ શક્યો.
ઈ વિધાનસભા આ રીતે કામ કરશે...
પાછલી વિધાનસભાથી ઈ વિધાનસભા કઈ રીતે અલગ છે તેની વાત કરીએ તો હવેથી ધારાસભ્યોને કાગળ પર સહી નહીં કરવી પડે. ધારાસભ્ય પોતાના સ્થાનેથી ટેબલેટથી પ્રશ્નો પૂછશે. તમને એવો પ્રશ્ન મગજમાં થયો જ હશે કે આપણા તો ઘણા ધારાસભ્યો ભણ્યા જ નથી તો એ લોકો કેવી રીતે ટેબલેટનો ઉપયોગ કરશે. તો એનો જવાબ છે કે ગુજરાત વિધાનસભાના અધિકારીઓએ પહેલેથી જ તમામ ધારાસભ્યોને ચાહે એ કોઈ પણ રાજકીય પક્ષના હોય તેમને તાલીમ આપી દીધી છે કે કેવી રીતે ઈ-લોકસભાની કામગીરી રહેશે અને કેવી રીતે ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી શકશે.
આવતી કાલથી સત્રનો થવાનો છે પ્રારંભ
મહત્વનું છે કે વિધાનસભા સત્રમાં રાજ્યને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે આ સત્રમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઓબિસી મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે. આવતી કાલથી સત્રનો પ્રારંભ થવાનો છે પરંતુ મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિના આગમનને ધ્યાનમાં રાખી આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચોમાસા સત્રમાં એટલે ત્રણ દિવસ ચાલનારા સત્રમાં 8 જેટલા બિલો રજૂ કરાઈ શકે છે.