આજે પવિત્ર દશેરાનો દિવસ છે, આ વિજયાદશમીનો તહેવાર આમ તો અસત્ય પર સત્યના વિજય તરીકે મનાવવામાં આવે છે. જો કે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં આ દિવસે ફાફડા-જલેબી ખાવાની એક વર્ષો જૂની અને અનોખી પરંપરા રહી છે. આજે વહેલી સવારથી જ અમદાવાદીઓએ ફાફડા-જલેબી ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. શહેરના તમામ વિસ્તારોમાં ફરસાણની દુકાનો સામે લોકોની કતારો જોવા મળી રહી છે.
ફાફડા-જલેબીના ભાવ આસમાને
આજે સમગ્ર ગુજરાત અને અમદાવાદમાં જલેબી-ફાફડાનું ધૂમ વેચાણ થયું. અમદાવાદીઓ સામાન્ય રીતે દર વર્ષે દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે. આજે પણ લોકો પોત-પોતાના મનપંસદ સ્થળે જલેબી-ફાફડા લેવા પહોંચ્યા. લોકો એ ચટણી સાથે ફાફડાની મોજ માણી હતી. અમદાવાદમાં ફાફડાનો ભાવ રૂ. 650થી 900 પ્રતિ કિલો અને જલેબીનો ભાવ રૂ. 750થી 1050 છે. જો કે આટલા ભાવ છતાં પણ લોકો તે ખરીદવા માટે પડાપડી કરતા જોવા મળ્યા.
આજે અમદાવાદમાં 10થી 12 લાખ કિલો ફાફડાનું થશે વેચાણ
અમદાવાદીઓ કોઈ પણ તહેવાર હોય તેની ઉજવણી હર્ષોલ્લાસભેર કરતા માટે જાણીતા છે. દશેરાના દિવસે અમદાવાદમાં ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ થતું હોવાથી ફરસાણના વેપારીઓ આગોતરું આયોજન કરી નાખતા હોય છે. એક અંદાજ મુજબ આ વર્ષે દશેરા પર્વ પર 10થી 12 લાખ કિલો ફાફડા-જલેબી વેચાશે તેવી શક્યતા છે.