અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધન દરમ્યાન ફરી એકવાર ટેરિફ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને કોમેન્ટ કરી છે. બીજી , તરફ યુએસનું પ્રતિનિધિ મંડળ બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ટેરિફને લઇને ચર્ચા કરવા ભારત આવ્યું હતું તેણે હવે વિદાઈ લીધી છે . માટે સૌ કોઈના જીવ અધ્ધર છે કે , હવે ૨જી એપ્રિલના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ટેરિફ લાદશે કે કેમ.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી જ રાષ્ટ્રપતિ પદે ફરી એકવાર બિરાજમાન થયા છે ત્યારથી જ તેમણે પોતાના સહયોગી દેશો જેવા કે , કેનેડા , મેક્સિકો , યુરોપ , જાપાનથી આવતા માલસામાન પર ટેરિફ લગાવવાની શરૂઆત કરી દીધી છે. જેમ કે હમણાં થોડાક દિવસ પેહલા ટ્રમ્પએ અમેરિકામાં બહારથી આવતી ગાડીઓ અને તેના સ્પેરપાર્ટ્સ પરની તમામ આયાતો પર ૨૫ ટકા ટેરીફની જાહેરાત કરી છે. તેનાથી યુરોપ અને જાપાન ધૂંઆપૂંઆ છે. હમણાં જ થોડા સમય પેહલા ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફ્રન્સને સંબોધન કરતા કહ્યું છે કે , " થોડાક સમય પેહલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવ્યા હતા . અમે હંમેશાથી સારા મિત્રો છીએ. ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ટેરિફ લગાવતો દેશ છે . આ ખુબ ક્રૂર બાબત છે. આ લોકો ઘણા સ્માર્ટ છે. વડાપ્રધાન મોદી પણ ઘણા સ્માર્ટ છે અને મારા મિત્ર છે. અમારી વચ્ચે ખુબ સારો સંવાદ થયો હતો . મને લાગે છે કે ભારત અને અમેરિકા ભવિષ્યમાં સહકારથી આગળ વધી શકે છે. વધુમાં હું કેહવા માંગીશ કે , તમારી પાસે ખુબ સારા વડાપ્રધાન છે. " આમ અવારનવાર ડોનાલ્ડ ટ્રમ્પ એક બાજુ ભારતને ટેરિફને લઇને આડેહાથ લેતા રહે છે તો બીજી બાજુ તેઓ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા રહે છે.
વાત કરીએ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે ચાર દિવસ બાદ ફરી અમેરિકા પાછું જઈ ચૂક્યું છે. આ બાબતે ભારત સરકારના વેપાર અને વાણિજ્ય મંત્રાલયે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે , દ્વિપક્ષીય વ્યાપારી કરારો એટલેકે , બાઈલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટના ખુબ મહત્વના મુદ્દાઓને લઇને બે દેશો વચ્ચે ચર્ચા થઇ છે . જોકે ૨જી એપ્રિલના દિવસથી ભારત પર યુએસ તરફથી રેસિપ્રોકલ ટેરિફ લગાવવામાં આવશે કે કેમ તેનો કોઈ જ જવાબ મળ્યો નથી. જોકે યુએસનું આ પ્રતિનિધિ મંડળ અને ભારતે લગભગ ચાર દિવસ સુધી ખુબ વ્યાપક ચર્ચા હાથ ધરી હતી તેમાં નક્કી કરવામાં આવ્યું છે કે , ૨૦૨૫ના અંત સુધીમાં મલ્ટીસેક્ટર દ્વિપક્ષીય વ્યાપારી કરાર નક્કી કરવામાં આવશે. જોકે આ માટેની ચર્ચા એટલે અટકી ગઈ કેમ કે , અમેરિકા ભારતના કૃષિ ઉત્પાદનોમાં અને ડેટા લોકલાઈઝેશનને લઇને ખુબ મોટી છૂટ ઈચ્છે છે . ગયા અઠવાડીએ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત પર ટેરિફને લઇને છૂટ આપવાનો સંકેત આપ્યો હતો . આ ચાર દિવસ માટે યુએસનું પ્રતિનિધિ મંડળ ત્યારે ભારત આવ્યું જયારે ભારત સરકારના વેપાર અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ માર્ચની શરૂઆતમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા. જ્યાં તેઓ યુએસના ટ્રેડ રિપ્રેઝન્ટટિવ જેમિસન ગ્રિર અને કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનીકને મળ્યા હતા . હવે એતો ૨જી એપ્રિલના દિવસે જ ખબર પડશે કે ડોનાલ્ડ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફને લઇને શું નિર્ણય લે છે . યુએસના પ્રતિનિધિ મંડળે ભારત સરકારના પ્રતિનિધિઓ આગળ આ બાબતે મૌન સેવ્યું છે. યુએસને ભારતમાં ઓટોમોબાઇલ , કૃષિ , દારૂ જેવા સેક્ટરમાં ખુબ રાહત જોઈએ છે એટલેકે , તેઓ ઈચ્છે છે કે ભારત સરકાર આ તમામ અમેરિકી આયાતો પર ટેરિફ ઓછો કરે જયારે ભારતને ટેક્સટાઇલ્સ અને લેધર ઈન્ડસ્ટ્રીઝમાં ટેરીફમાં રાહત જોઈએ છીએ . આ સાથે જ અમેરિકા ભારતના ડેટા લોકલાઈઝેશનનું વિરોધી છે. તેમની કંપનીઓને ભારતનો ખુબ મોટો ડેટા એક્સેસ જોઈએ છે. ડોનાલ્ડ ટ્રમ્પએ અગાઉથી જ સ્ટીલ અને એલ્યૂમિનિયમ પર ૨૫ ટકા ટેરિફ લગાડી દીધો છે. જો અમેરિકા ભારત પર ૨જી એપ્રિલથી આ રેસિપ્રોકલ ટેરિફ લગાડે તો , ભારતને ૫.૬૬ લાખ કરોડનું નુકશાન થઈ શકે છે. આ રેસિપ્રોકલ ટેરિફ આપણી ૮૭ ટકા અમેરિકામાં થતી નિકાસોને અસર પહોંચાડશે . જોકે હવે ભારતે ૫૫ ટકા અમેરિકી આયાતો પર ટેરિફ ઘટાડવાની તૈયારી બતાવી છે. તેના લીધે ૧.૯૭ લાખ કરોડ રૂપિયાનો ટેરિફ ઘટાડવાની વાત યુએસના પ્રતિનિધિ મંડળ સમક્ષ કરી હતી .
તો હવે જોઈએ ૨જી એપ્રિલના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફને લઇને શું વલણ અપનાવે છે.