ગુજરાતમાં ઠંડીનો ચમાકારો અનુવાઈ રહ્યો છે. તાપમાનનો પારો ધીમે ધીમે ગગડી રહ્યો છે. સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય છે. ત્યારે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. એવું માનવામાં આવે છે કે બંગાળની ખાડીમાં અથવા તો અરબી સમુદ્રમાં કોઈ પણ પરિવર્તન આવે છે તો તેની સીધી અસર ગુજરાતના હવામાન પર પડતી હોય છે. ત્યારે ચક્રવાતી તોફાન મૈડુસને કારણે ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ત્રણ દિવસ માટે રહી શકે છે વરસાદી માહોલ
દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ચક્રવાતી તૂફાનને કારણે ભારે નુકસાન થયું છે. અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આ ચક્રવાતની અસર ગુજરાત પર પણ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનુમાન પ્રમાણે ભર શિયાળે ત્રણ દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે.
કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી
12 અને 13 ડિસેમ્બરની આસપાસ ગુજરાતમાં આ ચક્રવાતી તૂફાનની અસર વર્તાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર દેખાઈ શકે છે. ડાંગ, નવસારી, વલસાડમાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના હાલ દેખાઈ રહી છે. કમોસમી વરસાદની આગાહી થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જો કમોસમી વરસાદ થશે તે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી મહેનત પાણીમાં જશે અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે.