હાલ ઉનાળાની સીઝનમાં ચોમાસાની સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આવનાર દિવસો માટે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. ગઈ કાલે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ અમદાવાદ, દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી માહોલને કારણે તાપમાનનો પારો નીચે રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ સહિત આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ
વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ઉનાળામાં કમોસમી વરસાદ થવાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અનેક જગ્યાઓ પર કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો તો કોઈ જગ્યાએ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે તેવી આગાહી કરી છે. અમદાવાદ સહિત અનેક જગ્યાઓ પર માવઠું પડી શકે છે. બનાસકાંઠા, સાબકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર અને બોટાદમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તે સિવાય શનિવાર તેમજ રવિવારે સૌરાષ્ટ્ર, કચ્છ, અમરેલી, ડાંગ , તાપી,પાટણ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.
કાળઝાળ ગરમી સહન કરવા માટે રહેવું પડશે તૈયાર!
કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત થયો છે. પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે જેને કારણે કેરીના ચાહકોને મોંઘા ભાવે કેરી ખરીદવી પડી શકે છે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કેરી આ વર્ષે મોડી પણ આવી શકે છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે.