બિપોરજોયને કારણે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે જેમ જેમ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસરો ગુજરાત પર દેખાઈ રહી છે. અનેક દરિયાઓ ગાંડાતુર બન્યા છે. ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે પોરબંદર, દ્વારકા, કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. ભારે પવન તેમજ વરસાદને કારણે નુકસાનીના પણ અનેક દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક વૃક્ષો ધરાશાયી થયા છે જ્યારે અનેક વીજળીના થાંભલા પણ પડી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
અનેક જિલ્લાઓમાં શરૂ થયો વરસાદ!
દ્વારકા, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે સાથે સાથે વરસાદ વરસવાની પણ શરૂઆત થઈ ગઈ છે. પોરબંદરમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. કચ્છમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. તે સિવાય અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી અનેક ટીમોને તૈનાત કરવામાં આવી છે જે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. તંત્ર દ્વારા પણ તૈયારીઓ થઈ ચૂકી છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે પણ ત્રણેય સેનાના પ્રમુખો સાથે આ મામલે બેઠક કરી હતી.
અનેક ગામોમાં છવાયો અંધારપટ!
મહત્વનું છે કે વાવાઝોડું તો આવીને જતું રહેશે પરંતુ તેના દ્વારા મોટા પાયે નુકસાન થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે અનેક વીજપોલ પણ પડી જવાના સમાચાર સામે આવ્યા છે. વીજળીનો થાંભલો પડી જવાને કારણે અનેક ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ભુજ જિલ્લાના 50 જેટલા ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. વાવાઝોડાની ગંભીરતનાને ધ્યાનમાં રાખી અનેક મંદિરોને બંધ કરવામાં આવ્યા છે.