બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાઓ તોફાની બન્યા છે. દરિયામાં મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે. અમદાવાદમાં પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે વાવાઝોડાને ધ્યાનમાં રાખી અમદાવાદ રિવરફ્રન્ટને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વાવાઝોડાને ધ્યાનમાં રાખી 15 જૂન સાંજથી 48 કલાક માટે રિવરફ્રન્ટ બંધ રહેશે. તે સિવાય રિવરફ્રન્ટમાં ચાલતી બોટ સેવાઓ પણ બંધ રહેશે. વાવાઝોડાને પગલે ફ્લોટિંગ બોટ, વોટર સાયકલ સહિતની એક્ટિવિટી પર પ્રતિબંધ હાલ માટે મૂકી દેવામાં આવ્યો છે.
કચ્છમાં વાવાઝોડાની સૌથી વધારે થઈ શકે છે અસર!
ગુજરાત તરફ બિપોરજોય વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડાને ધ્યાનમાં રાખી દરિયાકિનારા પર લોકોના જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત બંદરો પર ભયાવહ સિગ્નલો લગાવવામાં આવ્યા છે અને એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. વાવાઝોડાને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધારે અસર કચ્છમાં જોવા મળી શકે છે. અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
વાવાઝોડાને કારણે અનેક સેવાઓ પર મુકાયો પ્રતિબંધ!
વાવાઝોડાની ગંભીરતાને જોતા હજારો લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે. ત્યારે વાવાઝોડાને પગલે અનેક સુવિધાઓ જેવી કે ગીરનાર તેમજ અંબાજીમાં ચાલતી રોપ વે સેવા બંધ કરી દેવામાં આવી છે. તે સિવાય 15 જૂન સુધી રોરો ફેરી સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. અનેક બંદરો પણ બિપોરજોયને પગલે બંધ કરી દેવાયા છે. તે સિવાય મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અનેક બસ તેમજ ટ્રેન સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. અમદાવાદના રિવરફ્રન્ટને પણ થોડા દિવસો માટે બંધ કરવામાં આવ્યો છે તેવી માહિતી મળી રહી છે. રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમ તેમજ આર્મી જવાનની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત માટે અને તેમાં પણ સૌરાષ્ટ્ર માટે આગામી 36 કલાક ભારે માનવામાં આવી રહ્યા છે.