આ વિષય છે ટાટ 1-2નો જેમાં હજારો વિદ્યાર્થીઓને તંત્રની ભૂલથી ફોર્મ નથી ભરી શકવાના. અમને સતત એક વિષય ઉપર વાત કરવા માટે મેસેજ આવી રહ્યા હતા કે તમે આ વિષય પર વાત કરો અને તંત્રનું ધ્યાને દોરો જેથી આ મામલો ગુજરાત સામે આવે અને કંઈક પગલા લેવાય. બીકોમ પછી બી.એડ કરેલા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં ભણાવવા માટે ટાટ1-2ની પરીક્ષા નથી આપી શકતા ન તો ખાનગી શાળામાં ભણાવવા માટે પાત્રતા ધરાવી શકતા. IITE ગાંધીનગર અને શિક્ષણ વિભાગ વચ્ચેના સંકલનના અભાવ અને બેવડી નીતિના કારણે હજારો વિદ્યાર્થીઓ શિક્ષિત બેરોજગાર બની ગયા છે.
વિદ્યાર્થીઓ આપી રહ્યા છે લડત
વિદ્યાર્થીઓ પોતાની પાત્રતાની માગ માટે લડી રહ્યા છે તેનો મુદ્દો સમજવા માટે અમુક વસ્તુઓ સમજવી પડશે. આમ તો મુદ્દો સર્વવિવિદ છે છતાં પણ સમજીએ. જો આ વિષય પર વાત કરવામાં આવશે તો આ વિષય પર યોગ્ય રીતે કામ થઈ શકશે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા નહીં થાય.
સરકારી પરીક્ષા બધા લોકોનું સપનું હોય છે. જેથી તેમની જીવન સુરક્ષા બની રહે. મોટા ભાગના લોકોને સરકારી નોકરી મેળવવાની આશા આ એક જ વસ્તુ પરથી હોય છે, જો કે લોકો મુજબ બધુ બદલાતું રહેતું હોય. સરકારી શિક્ષક બનવા માટે અમુક પાત્રતા જોઈતી હોય છે. આ પાત્રતા હોય છે ભણતર, ડીગ્રી અને પરીક્ષાની. સરકારી શિક્ષક બનવા માટે TET એટલે કે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ અને TAT એટલે કે ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપવી પડે છે. એમાં પણ વિભાગ હોય છે TET-1-2 અને TAT-1-2. ધોરણ 1થી 5 ધોરણના શિક્ષક બનવા માટે TET વન આપવી પડતી હોય છે, 6થી 8 ધોરણના શિક્ષક બનવા માટે TET-2 આપવાની હોય. 9થી 10 ધોરણમાં શિક્ષક બનવું હોય તો TAT-1 આપવી પડે અને ધોરણ 11થી 12નું શિક્ષક થવું હોય તો TAT-2 આપવી પડે.
પહેલા શું જોગવાઈઓ હતી?
હવે B.Ed કરીએ ત્યારે વિષયો પણ આવતા હોય છે જેના લોચાના કારણે વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. આપણે જે વિષય વિશે વાત કરી રહ્યા છીએ તેમાં સામાજિક વિજ્ઞાન એટલે કે એસએસ મહત્વનો વિષય છે જેના વિશે વાત કરીશું. પણ પહેલા સમસ્યા વિશે વાત કરી લઈએ. પહેલા જેણે B.Ed કર્યું હોય તેની ITI ગાંધીનગરએ એન્ટ્રન્સ ટેસ્ટ લીધી હતી. અહીં વિદ્યાર્થીઓનું B.Ed પુરૂ થયું અને વિદ્યાર્થીઓએ B.Edની ડીગ્રી મેળવી. હવે નોકરીની શોધમાં પરીક્ષાની તૈયારીઓ કરવા વિદ્યાર્થીઓ મહેનત કરવા બેસી ગયા. TAT-1 માટે B.Comના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે કારણ કે તેમને સામાજિક વિજ્ઞાન વિષય હોય છે. પણ TAT-2 માટે અગિયારમા-બારમા ધોરણમાં કોમર્સનો કોઈ એક વિષય હોય તો જ પરીક્ષા આપી શકતા હોય છે. બીકોમ કરેલા વિદ્યાર્થીને TAT-2 આપવી હોય તો એકાઉન્ટ અથવા ઈકોનોમી અથવા તો B.Comનો કોઈ એક વિષય હોવો જોઈએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ સ્તરત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974ની જોગવાઈઓ મુજબ ધોરણ 9 અને 10માં શિક્ષક બનવા માટેની લાયકાતની જોગવાઈમાં B.Com, BA, અથવા B.Sc સાથે રેગ્યુલર B.Ed પાસની જોગવાઈ કરાઈ હતી. આ વિષય સામે ધોરણ 11 અને 12ના શિક્ષક બનવું હોય તો ભરતી માટેની લઘુતમ લાયકાત MA, M.Com, M.Sc ડીગ્રી કરી હોવી જોઈએ. પણ ગુજરાત સરકારે આ વિનિયમોમાં બદલાવો કર્યા.
હવે શું જોગવાઈઓ છે?
ગુજરાત સરકારની જોગવાઈઓમાં સુધારાઓ કરવામાં આવ્યા. આ સુધારામાં કહેવામાં આવ્યું કે ધોરણ 9થી12ના શિક્ષક બનવા માટે હવે ધોરણ 12 પછીના સીધા ઈન્ટિગ્રેટેડ B.Ed કોર્સ માન્ય ગણાશે. જેમાં નવમા દસમાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કારણ કે આ વિદ્યાર્થીઓ 9-10ના શિક્ષક થવાનીની પાત્રતા ધરાવે. ટુંકમાં નવા નિયમો મુજબ ધોરણ 9 અને 10માં શિક્ષક બનવા માટે BA, B.Com, B.Sc અથવા BA અને રેગ્યુલર B.Ed સાથે ધોરણ 12 પછીના સીધા ઈન્ટિગ્રેટેડ B.Ed પાસ ઉમેદવારો પણ TAT પરીક્ષા આપી શકશે. ધોરણ 11 અને 12ના શિક્ષક બનવા માટે MA, MCom, MSc, MRS અને રેગ્યુલર B.Ed પાસ ઉમેદવારો ઉપરાંત ઈન્ટિગ્રેટેડ B.Ed કોર્સ કર્યા હશે તો પણ ટાટ પરીક્ષા માન્ય ગણાશે તેવો ઠરાવ થયો.
ઠરાવના કારણે વિદ્યાર્થીઓ ફોર્મ નથી ભરી શકતા
B.Com કરીને B.ed થયેલા વિદ્યાર્થીઓ હાલ TAT પરીક્ષા માટે ફોર્મ નથી ભરી શકતા. કારણ તેણે જ્યારે B.Ed કર્યું હતું ત્યારે તેમને ફક્ત સામાજિક વિજ્ઞાન વિષય જ આપવામાં આવ્યો હતો અને વિકલ્પમાં કોઈ પણ એક ભાષા આપી હતી. જેની જગ્યાએ તેમને કોમર્સનો વિષય આપવાનો હતો. અહીં લોચો થતાં B.Com વાળાએ IITEને રજૂઆત કરીને કહ્યું કે બીકોમ કર્યું છે એટલે ધોરણ 9થી 10(TAT-1)ની પરીક્ષા નહીં આપી શકો, અને TAT-2 પણ નહીં આપી શકો. TAT-2માં એટલા માટે નહીં આપી શકો કારણ કે તેમને ભણવામાં B.Comના કોઈ વિષય ન હતા. તો B.Comવાળા વિદ્યાર્થીઓ TAT-1 માટે પાત્રતા ધરાવતા હોવા છતા પરીક્ષા નથી આપી શકતા અને TAT-2માં એટલા માટે પરીક્ષા નથી આપી શકતા કારણ કે વિષયોનો લોચો થઈ જાય છે. અગાઉ તેમને ભણવામાં વિષય જ નહોતો અપાયો.
સિસ્ટમના ઠેબે ચડ્યા વિદ્યાર્થીઓ
ITI ગાંધીનગરથી વિદ્યાર્થીઓને જવાબ મળ્યો કે કોઈ વિદ્યાર્થી B.Com ભણીને B.Ed કરે તો તેમને ગુજરાતી, હિન્દી સામાજિક વિજ્ઞાન વિષય મળે છે જ્યારે M.Com કરે તો એકાઉન્ટન્સી સહિતના વિષયો મળે છે. ટાટ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ફોર્મ નથી ભરી શકતા કારણ કે એ રાજ્ય પરીક્ષા બોર્ડના નિર્ણયમાં ફીટ નથી બેસતું. B.Comવાળા વિદ્યાર્થીઓની રજૂઆત હતી કે આ બધુ અમને પહેલા જ કહ્યું હોત તો અમારે હેરાન ન થવું પડત. જ્યારે B.Ed IITEમાંથી કર્યું ત્યારની વાત થઈ રહી છે કારણ કે હવે B.Com વાળા પાત્રતા હોવા છતા TATની પરીક્ષા નથી આપી શકતા. ITIની અને B.Ed બંનેની આ બેદરકારી કહેવાય. કારણ કે B.Edમાં વિદ્યાર્થીઓને વિષય જ નહોતા આપવામાં આવ્યા જેના કારણે આવું થયું છે. આ વિદ્યાર્થીઓ પ્રાઈવેટ માટે પણ પાત્રતા નથી ધરાવતા કારણ કે ત્યાં ભણાવવા માટે ટાટ પાસ હોવું ફરજિયાત થઈ ગયું છે. સરકારે શિક્ષકોના કૌશલ્ય વધારવા માટે પગલું ભર્યું તેમાં કોઈ શંકાને સ્થાન નથી પણ હાલ અમુક નિર્ણયોના કારણે વિદ્યાર્થીઓને જ તકલીફ પડી રહી છે. ટૂંકમાં IITE ગાંધીનગર અને શિક્ષણ વિભાગ વચ્ચેના સંકલનના અભાવે અને બેવડી નીતિથી હજારો ઉમેદવારો શિક્ષિત બેરોજગાર બની ગયા છે. આ વિષય પર યોગ્ય ધ્યાન દોરવામાં આવશે તો આગળ B.Comના TAT આપનાર વિદ્યાર્થીઓને તકલીફ નહીં પડે. ઉપરથી 24 મે 2023ના TATની પરીક્ષાના ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે અને હજારો વિદ્યાર્થી પાત્રતા ધરાવતા હોવા છતાં પણ ફોર્મ નથી ભરી શકવાના...