અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઈના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરવાની જાહેરાત કરી છે. તેમ છતાં ટ્રમ્પએ ચાઈના વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે , તેને બેઇજિંગ સાથે ડીલ કરવી વધુ પસંદ પડશે . આ પ્રતિક્રિયા તેમણે કેબિનેટની મિટિંગ કરી દીધા બાદ પ્રેસ કોન્ફ્રન્સને સંબોધન કરતા આપી હતી. વાત કરીએ યુરોપની તો યુરોપે અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવાનું મોકૂફ રાખ્યું છે. હવે સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે , ચાઈનાના રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગએ અમેરિકાના ૧૪૫ ટકા ટેરિફ પર પેહલીવાર પ્રતિક્રિયા આપી છે. આ પ્રતિક્રિયા તેમણે ત્યારે આપી જયારે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ ચાઈનાની મુલાકાતે ગયા છે.ચાઈનીઝ ન્યૂઝ એજન્સી ક્ષીનહૂઆ પ્રમાણે ક્ષી જિંગપિંગે કહ્યું છે કે , " ચાઇના અને યુરોપે તેમની આંતરરાષ્ટ્રીય જવાબદારી નિભાવવી જોઈએ. એક તરફી નિર્ણયોની સામે પડવું જોઈએ. "ચાઇના હવે યુરોપને પોતાની સાથે લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. એટલુંજ નહિ હવે ચાઈનાની નજર હવે ભારત પર પણ છે. ચીનની ઇલેક્ટ્રિક વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ ભારતીય ઇલેક્ટ્રિક કંપનીઓને ૫ ટકા છૂટ આપી શકે છે . તેનાથી સંભાવના એ છે કે , આવનારા સમયમાં ઇલેક્ટ્રોનિક માલ સામાન જેમ કે , ટીવી , ફ્રિજ અને સ્માર્ટફોન આપણા ત્યાં સસ્તા બની શકે છે. એટલેકે , ભારતીય કંપનીઓને હવે સસ્તા દરે ચાઈનામાં ઉત્પાદન થયેલ ટીવી , ફ્રિજ અને સ્માર્ટફોન મળી શકે છે.
ચાઇનાનો પ્રયાસ છે કે , તે અમેરિકાની સામે યુરોપ અને ઉભરતી આર્થિક મહાસત્તા ભારતને સાથે લેવા માંગે છે. તો જોવાનું એ છે કે ચાઇના આ અંગે કેટલું સફળ થાય છે. ચાઈનાની સૌથી મોટી સમસ્યા તેની સરહદો પર "સલામી સ્લાઇસીન્ગ"ની નીતિ છે . જે અંતર્ગત તે જમીનો પચાવી લે છે . જેમ કે આપણા ભારતના લદાખ અને અરુણાચલ પ્રદેશ પર દાવો ઠોકે છે.
વાત કરીએ અમેરિકા અને રશિયાની તો , તુર્કીમાં આવેલા રશિયન દૂતાવાસ પર હમણાં બેઉ દેશોના ડિપ્લોમેટ્સ વચ્ચે વાર્તાલાપ થયો હતો . કેમ કે , શીત યુદ્ધ પછી રશિયા - યુક્રેન યુદ્ધને લઇને બેઉ દેશોના સબંધો ખુબ ખરાબ થઈ ગયા છે. જોકે હવે તુર્કીમાં થયેલી ચર્ચા બાદ બેઉ દેશોએ કહ્યું છે કે , અમેરિકા અને રશિયા વચ્ચે રાજદ્વારી સબંધો સામાન્ય કરવામાં આવશે. જોકે અમેરિકાને હજુ ચિંતા છે કે , અમારા મોસ્કોના દૂતાવાસમાં અમેરિકન સ્ટાફની ભરતી પર રશિયાની નીતિઓ બાધારૂપ છે.
તુર્કીના રશિયન દૂતાવાસ પર અમેરિકા તરફથી ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર રશિયા અને મધ્ય યુરોપના સોનાટા કોલ્ટર તો બીજી તરફ અમેરિકામાં રશિયાના નવા એમ્બેસેડર એલેક્ઝાન્ડર દારચિવ હાજર રહ્યા હતા . હવે અમેરિકા રશિયા સાથે પોતાના રાજદ્વારી સબંધો નોર્મલ કરવા માંગે છે.