ટૂંક સમયમાં દિવાળી આવી રહી છે, ત્યારે ઉત્તર ગુજરાતના પશુપાલકોને દૂધસાગર ડેરીએ દિવાળીની ભેટ આપી છે. દૂધસાગર ડેરીએ પશુપાલકોને પ્રતિ કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કરી દીધો છે. આ નિર્ણયથી પશુપાલકોની દિવાળી સારી જશે. દૂધસાગર ડેરીના આ નિર્ણયથી દૂધ ભરાવતા સાડા છ લાખ પશુપાલકોની દિવાળી સુધરશે.
દૂધ ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો
21 ઓક્ટોબરથી પશુપાલકોને દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો લાગુ કરવામાં આવશે. દૂધની ખરીદીમાં પ્રતિ કિલો ફેટે દૂધસાગર ડેરી ખેડૂતોને હાલ 730 રૂપિયા ચૂકવતી હતી. હવે દસ રૂપિયાનો વધારો થયા બાદ દૂધસાગર ડેરી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 740 રૂપિયા ચૂકવશે.
દૂધસાગર ડેરી વિશે....
આમ તો દૂધસાગર ડેરીનું મૂળ નામ મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ છે. દૂધસાગર ડેરી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનો એક વિભાગ છે જે ગુજરાત સરકારના સહકાર મંત્રાલયની માલિકી હેઠળ છે. દૂધસાગર ડેરીમાં સાડા છ લાખ પશુપાલકો દૂધ ભરાવે છે અને પોતાનું ગુજરાત ચલાવે છે.