અમદાવાદમાં હિટ એન્ડ રનમાં મૃત્યુ પામેલા પરિવારોના આંસુ સૂકાયા નથી, આ વાતની ચર્ચા થતી નથી અટકી, ત્યાં તો અમદાવાદના મણિનગરમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો છે. રસ્તો જાણે તેમના જ માટે બનાવવામાં આવ્યો હોય તેવી રીતે અનેક લોકો ન માત્ર નબીરાઓ પરંતુ અનેક સામાન્ય માણસો વાહન ચલાવતા હોય છે. ઓવરસ્પીડિંગને કારણે અનેક અકસ્માત સર્જાયા છે. અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં લોકો કલર માટે, સોશિયલ મીડિયા પર અપલોડ કરવા માટે સ્ટંટ કરતા હોય છે. ત્યારે અમદાવાદના મણિનગરમાં નશાના ધૂત વ્યક્તિએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને તે ગાડી બાંકડા સાથે ભટકાઈ ગઈ. બાંકડા પર બેઠેલા વ્યક્તિઓની સમયસૂચક્તાને કારણે તેમનો જીવ બચી ગયો પરંતુ મળતી માહિતી અનુસાર સ્થાનિક લોકોએ તે કારચાલકને દબોચી દઈ પોલીસને હવાલે કરી દીધો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને ગાડીમાંથી અનેક બોટલો પણ મળી છે.
બેફામ રીતે ગાડી ચલાવતા વ્યક્તિએ બાંકડા પર ચઢાવી ગાડી
પહેલાં અમે કહેતા હતા કે રસ્તા પર વાહન ચલાવવું જોખમી છે. સાવધાની રાખી વાહન ચલાવવાની સલાહ લોકો આપતા હતા. પરંતુ હવે તો રસ્તા પર રાખવામાં આવેલા બાંકડા પર પણ બેસવું જોખમી થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે રસ્તા તમારા બાપના નથી પરંતુ હવે એ કહેવાની નોબત આવી છે કે ફૂટપાથ પણ તમારા બાપની નથી. અનેક અકસ્માતો એવા જોયા છે જેમાં ગાડી પરથી કાબુ ગુમાવી દેવાને કારણે ગાડી ફૂટપાટ પર ચઢી જતી હોય છે. થોડા દિવસો પહેલા ઈસ્કોન ખાતે બનેલી ઘટનાને લઈ ચર્ચાઓ શાંત નથી થઈ. લોકોનો રોષ શાંત નથી થયો. ત્યારે નશામાં ધૂત હોવાને કારણે એક વ્યક્તિએ મણિનગરના જવાહર ચોક પાસે આવેલા પ્રભુ એપાર્ટમેન્ટ નજીક આવેલા બાંકડા પર કાર ચડાવી દીધી. ગાડીની ટક્કર બાંકડા સાથે થઈ. આ ઘટના કાલ રાત્રે બાર વાગ્યે બની હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
બાંકડા પર બેઠેલા વ્યક્તિઓને મળ્યું જીવનદાન!
બાંકડા પર બે ત્રણ લોકો બેઠા હતા. સ્પીડમાં આવેલી ગાડીને જોતા તેઓ અચાનક ઉભા થઈ ગયા અને સદનસીબે તેમનો જીવ બચી ગયો. બાંકડા પર બેઠેલા લોકોનો બીજો જન્મ થયો હોય તેવી વાતો બાંકડા પર બેઠેલા લોકો કરી રહ્યા છે. મહત્વનું છે કે હિટ એન્ડ રન કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નશાની હાલતમાં ગાડી ચલાવનારાઓની સંખ્યા પણ સતત વધતી જઈ રહી છે.
આ ઘટનામાં જાનહાની ટળી પરંતુ કોઈના મોત થયા હોત તો જવાબદાર કોણ?
જ્યાં સુધી આપણે આપણી જવાબદારી સમજી કાયદાનું પાલન નહીં કરીએ ત્યાં સુધી અનેક લોકોના જીવ આવા અકસ્માતોમાં જતા રહેશે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ પરંતુ થઈ હોત તો જવાબદાર કોણ હોત? ડ્રાઈવીંગ કરતી વખતે તમને ભલે પોતાના જીવની કિંમત નથી પરંતુ તમને કોઈ બીજાનો જીવ લેવાનો અધિકાર પણ નથી? તમારા માટે એ માત્ર સ્પીડની મજા હોય પરંતુ કોઈ બીજા માટે એ ઝડપની મજા મોતની સજા ન બની જાય તેનું પણ ધ્યાન રાખવું પડશે.