નવરાત્રીના પર્વ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે. આસો નવરાત્રી દરમિયાન ગરબાનું વિશેષ મહત્વ રહેલુ છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગરબા ઘૂમવામાં આવે છે. અલગ અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે વાગડ વિસ્તારમાં ઠેર-ઠેર પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓએ શક્તિના નવ રુપો ધારણ કરી ગરબે ઘૂમ્યા હતા.
વિવિધ દેવીઓનું રુપ લઈ ખેલૈયાઓએ કર્યા ગરબા
નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. એક તરફ શહેરમાં જ્યાં ખેલૈયાઓ ડીજેના તાલે ગરબા રમે છે તો ભચાઉ તાલુકાના વાઢિંયા ગામે પોતાની પરંપરા જાળવી રાખી છે. જે અંતર્ગત નવદુર્ગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના હાઈટેક જમાનામાં પણ લોકો પોતાની પરંપરાને ભૂલ્યા નથી. ખેલૈયાઓઅ આગવી શૈલીમાં સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબાની રમઝટ બોલાવી હતી. વાગડ વિસ્તારના વાઢિંયા ગામ સહિત આસપાસના ગામોમાં પણ આધ્ય શક્તિના ભક્તિ રંગમાં અબાલ વૃધ્ધ સૌ કોઈ રંગાઈ ગયા હતા. ત્યારે ભચાઉ તાલુકાના વાઢિંયા ગામમાં શ્રી દેવડા પરિવાર મહાકાલી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સમસ્ત પટેલ સમાજ દ્રારા નવદુર્ગાના સ્વરૂપ રુપે નાની બાળાઓ દુર્ગાની વેશ ભૂષામાં ગરબા રમતા જોવા મળી હતી.