ઉત્તર પ્રદેશમાં વધુ એક ગેંગસ્ટરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. પશ્ચિમ યુપી અને એનસીઆરના ખતરનાક ગેંગસ્ટર અનિલ દુજાનાને યુપી એસટીએફએ મેરઠના જાની વિસ્તારમાં ઠાર માર્યો છે. અનિલ દુજાના સામે લગભગ 18 તો ખુન કેસ હતા, તે ઉપરાંત ખંડણી, લૂંટ, જમીન પર કબ્જો, આર્મ્સ એક્ટ સહિતના 62થી વધુ ગુના નોંધાયા હતા, તે અનેક કેસમાંફરાર હતો. અનિલ દુજાના પર 75 હજારનું ઈનામ હતું. અત્રે ઉલ્લેખનિય છે કે અનિલ દુજાના ગૌતમ બુધ્ધ નગરના બાદલપુરનો હિસ્ટ્રીશીટર હતો. તે બાદલપુરના દુજાના ગામનો વતની હતો. તેનું નામ ઉત્તર પ્રદેશના ટોચના ગેંગસ્ટરોની યાદીમાં આવતું હતું.
પોલીસને મળી મોટી સફળતા
અનિલ દુજાના થોડા સમય પહેલા જ જામીન પર તિહાડ જેલમાંથી બહાર આવ્યો હતો. તે જેલમાંથી આવતા જ જયચંદ પ્રધાન હત્યાકેસમાં તેમની પત્ની અને મુખ્ય સાક્ષી સંગીતાને મોતની ધમકી આપી હતી. આ કારણે પોલીસ એક્શનમાં આવી હતી. અનિલ દુજાનાની ધરપકડ માટે નોઈડા પોલીસ અને UP ATF આકાશ પાતાળ એક કરી રહ્યા હતા. થોડા દિવસોથી પોલીસની સાત ટીમે 20થી વધુ સ્થળો પર છાપા માર્યા હતા. અનિલ દુજાના જેલમાંથી બહાર આવતા સાક્ષીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.