ગીર સોમનાથના વેરાવળના ખ્યાતનામ ડો. અતુલ ચગ આત્મહત્યા કેસ મામલે સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણભાઈ ચુડાસમાને વેરાવળ સેશન્સ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. વેરાવળ સેશન્સ કોર્ટે નારણભાઈ ચુડાસમાની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે. નારણભાઈ ચુડાસમાએ વેરાવળ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જો કે કોર્ટે આજે તેમના આગોતરા જામીન ફગાવી દીધા હતા. વેરાવળ સેશન્સ કોર્ટમાં ગઈકાલે આગોતરા જામીન અરજી પર સુનાવણી થઈ હતી. જે મામલે આજે વેરાવળ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો હતો. ડો. ચગના આત્મહત્યા મુદ્દે સાંસદ અને તેના પિતા પર આરોપ લાગ્યા છે.
મૃતકના દિકરા હિતાર્થે કરી હતી અરજી
ડો. અતુલ ચગ આત્મહત્યા કેસમાં 3 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૃતકના દિકરા હિતાર્થની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડો. અતુલ ચગની સ્યુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખ હતો. વેરાવળ સીટી પોલીસે અતુલ ચગ આત્મહત્યા મામલે અકસ્માતે મોત નં. 04/23 સી.આર.પી.સી. કલમ 174 તા. 12.02.2023 ના રોજ ફરિયાદ નોંધી હતી. ત્યારે ર્ડા. અતુલ ચગનાં પુત્ર હિતાર્થે તા. 17.02.2023 નાં રોજ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ હતી. જે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન અરજી નં.-બી 43/ 2023 તા. 17.02.2023 થી નોંધાયેલ હતી.
કરોડોની રકમ ચાઉં કર્યાનો આરોપ
મૃતક ડો. અતુલ ચગનાં પુત્ર હિતાર્થે નોંધાવેલ ફરિયાદ મુજબ વર્ષ 2008 માં રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા દ્વારા કટકે-કટકે મારા પપ્પા પાસેથી દોઢથી પોણા બે કરોડ રૂપિયા જેટલી મોટી ઉછીની રકમ લઈ પરત આપી ન હતી. જેની મારા પપ્પા અવાર નવાર ઉઘરાણી કરતા મારા પપ્પાને જાનથી મારી નાંખવાની રાજેશ ચુડાસમા તેમજ નારણ ચુડાસમા ધમકી આપતા હતા. જેથી મારા પપ્પા ડરી ગયા હતા. અને તા. 12.02.2023 નાં રોજ અમારા ઘરે છતમાં પંખા સાથે મફલર વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.