હિંદુ ધર્મમાં પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે. તેમાં પણ આસો મહિનાની પૂનમ એટલે શરદ પૂનમને વિશેષ માનવામાં આવે છે. શરદ પૂનમના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. શરદ પૂનમના દિવસે દૂધ પૌંઆ ખાવાની પરંપરા આપણે ત્યાં વર્ષોથી ચાલી આવી છે. આ દિવસે ચાંદીના વાસણમાં દૂધ પૌંઆ ચંદ્ર સમક્ષ રાખવામાં આવે છે. ચંદ્રના કિરણને આપણા શરીરમાં ઉતારવા દૂધ પૌંઆનું સેવન કરવામાં આવે છે.
શા માટે આસો મહિનાની પૂનમ છે ખાસ?
આસો મહિનાની પૂનમ દરમિયાન ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં રહે છે. અશ્વિની નક્ષત્રના સ્વામી અશ્વિની કુમારો છે. અશ્વિની કુમારોને દેવોના વૈદ્ય માનવામાં આવે છે. તેમના દ્વારા દેવતાઓને અમૃતની પ્રાપ્તિ થાય છે. આવી સ્થિતિ વર્ષમાં માત્ર શરદ પૂનમના દિવસે જ બને છે. આને કારણે શરદ પૂર્ણિમાં ઉજવવામાં આવે છે. અનેક રોગોથી પણ છૂટકારો મળે છે.
શા માટે દૂધ-પૌઆ ખાવામાં આવે છે?
વેદોમાં પાંચ વસ્તુને અમૃત સમાન ગણવામાં આવ્યા છે. દૂધને અમૃત ગણવામાં આવ્યું છે. દૂધ ઉપર ચંદ્રનો ખાસ પ્રભાવ રહેલો હોય છે. ચંદ્રને સફેદ વસ્તુ અતિ પ્રિય હોય છે. ઠંડીની સિઝનમાં શક્તિ મળી રહે તે માટે દૂધમાં પૌઆનું તેમજ ડ્રાયફૂટનું મિશ્રણ કરવામાં આવે છે. આ વસ્તુનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ચંદ્ર સમક્ષ દૂધ પૌઆ મૂકવાથી તે અમૃત સમાન બની ગયા હોય તેવું માનવામાં આવે છે. ચાંદીના પાત્રમાં દૂધ પૌઆ ખાવાથી શરીરને વધુ ફાયદો થાય છે. કારણે કે ચાંદીથી પણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.