અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી જાન્યુઆરીની ૨૦મી તારીખથી વ્હાઇટહાઉસમાં પ્રવેશ્યા છે ત્યારથી તેમણે યુએસના સહયોગી દેશો પર "ટેરિફ" લગાવવાનું વલણ અપનાવ્યું છે. હવે આ લિસ્ટમાં ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી ગયું છે . ડોનાલ્ડ ટ્રમ્પએ ઘણી વાર ૨જી એપ્રિલથી ભારત પર રેસિપ્રોકલ એટલેકે જેવા સાથે તેવા ટેરિફ લગાવવાની ધમકી આપી છે . જોકે તે પેહલા અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં આ ટેરિફ મુદ્દે વાર્તાલાપ કરવા ભારત આવ્યું છે . તો આવો જાણીએ ભારત અને યુએસ વચ્ચે કઈ કઈ બાબતો પર ચર્ચા આવનારા ચાર દિવસોમાં થશે. ડોનાલ્ડ ટ્રમ્પએ ઘણીવાર તેમના ભાષણમાં કહેલું છે કે , "ડિક્ષનરીમાં તેમનો સૌથી મનપસંદ શબ્દ ટેરિફ છે." પરંતુ ટ્રમ્પ તેમના આ મનપસંદ શબ્દનો ઉપયોગ આડેધડ કરશે તે આખી દુનિયા માટે ચોંકાવનારું હતું. જોકે હવે ભારત પ્રત્યે યુએસ કુણું વલણ અપનાવે તેવી સંભાવના ચોક્કસ છે. કેમ કે, યુએસ તરફથી એક પ્રતિનિધિ મંડળ બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ટેરિફને લઇને વાટાઘાટો કરવા ભારત આવ્યું છે. આ પ્રતિનિધિ મંડળ ૨૯ માર્ચ સુધી ભારતમાં રહેશે . આ સમય દરમ્યાન દ્વિપક્ષીય વ્યાપારી કરારો (બાઈલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી ) પર પણ વાર્તાલાપ શક્ય છે.
પેહલા દિવસે ભારત અને યુએસ વચ્ચે ટેરિફ સંબંધિત વિવિધ મુદ્દાઓને લઇને વ્યાપક ચર્ચા થઇ હતી . અમેરિકા ઈચ્છે છે કે , ભારત અમેરિકન દારૂ અને કૃષિ ઉત્પાદનો પર ટેરીફમાં નોંધપાત્ર ઘટાડો કરે . જોકે ભારતે આ ટેરિફને લઇને પોતાની સીમાઓ અમેરિકાના પ્રતિનિધિ મંડળ સામે રાખી ચૂક્યું છે. ભારત આ માટે "મધ્યમમાર્ગી" નિવેડો ઈચ્છે છે. વાત કરીએ કૃષિ ઉત્પાદનોની તો , જો ભારતે પોતાનું માર્કેટ યુએસના સસ્તા કૃષિ ઉત્પાદનો માટે ખુલ્લું મૂક્યું તો આપણા ખેડૂતોને મોટું નુકશાન થઈ શકે છે. હવે વાત કરીએ , દારૂની તો , ભારત અમેરિકન દારૂની આયાત પર ૧૫૦ ટકા ટેરિફ લગાડે છે જયારે ઓટોમોબાઇલ સેક્ટરમાં ૧૬૫ ટકા ટેરિફ લગાડે છે. પરંતુ ભારત આ બધા જ ટેરિફ પોતાના દેશના ઉદ્યોગોને સંરક્ષણ આપવા લગાડે છે. જોકે હવે આ મિટિંગના પેહલા દિવસે ભારતે સંકેત આપ્યો હતો કે , ભારત અમેરિકન મોટરસાયકલ અને વહીસ્કીની આયાત પર ટેરિફ ઘટાડી શકે છે.
અમેરિકાએ તો ભારત સાથે ડિજિટલ ટ્રેડને લઇને આકરું વલણ અપનાવ્યું છે . ભારત એવું ઈચ્છે છે કે , આપણો ડેટા આપણા દેશમાં જ સેવ થાય એટલેકે , તેને ટેક્નિકલ ભાષામાં "ડેટા લોકલાઈઝેશન" પણ કહે છે. ડેટા લોકલાઈઝેશનથી આપણો ડેટા અમેરિકામાં કે બીજા કોઈ દેશમાં નથી જઈ શકતો જોકે હવે અમેરકાને આમાં પણ વાંધો પડ્યો છે. વાત કરીએ , જો અમેરિકા ભારત પર ૨જી એપ્રિલથી આ રેસિપ્રોકલ ટેરિફ લગાડે તો , ભારતને ૫.૬૬ લાખ કરોડનું નુકશાન થઈ શકે છે. આ રેસિપ્રોકલ ટેરિફ આપણી ૮૭ ટકા અમેરિકામાં થતી નિકાસોને અસર પહોંચાડશે . જોકે હવે ભારતે ૫૫ ટકા અમેરિકી આયાતો પર ટેરિફ ઘટાડવાની તૈયારી બતાવી છે. તેના લીધે ૧.૯૭ લાખ કરોડ રૂપિયાનો ટેરિફ ઘટાડી શકે છે .તો હવે જોવાનું એ છે કે , આ પ્રતિનિધિ મંડળ જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું છે તેનાથી કોઈ રસ્તો નીકળે છે કે કેમ? આ વાટાઘાટોમાં જે પણ અપડેટ હશે તેની પર અમે અપડેટ આપતા રહીશું.