થોડાક સમય પેહલા સમાચાર આવ્યા હતા કે , ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કેન્દ્ર સરકાર એટલેકે , ફેડરલ ગવર્નમેન્ટનું શિક્ષણ ખાતું જ બંધ કરી દીધું હતું. તો હવે સમાચાર આવી રહ્યા છે કે , ટ્રમ્પએ અમેરિકામાં ૧૦,૦૦૦ આરોગ્ય કર્મચારીઓને છૂટા કરી દીધા છે. તો આ તરફ દક્ષિણ અમેરિકી દેશ ચિલીના રાષ્ટ્રપ્રમુખ ગેબ્રિયલ બેરિક ફોન્ટ ભારત આવ્યા છે. તેઓ ભારત સાથે વ્યાપારી કરારો કરવા ખુબ ઉત્સુક છે. વાત કરીએ આપણા પાડોશી દેશ મ્યાનમારની તો ત્યાં ભૂકંપથી મૃત્યુનો આંક ૨૭૦૦ને પાર જવાની સંભાવના છે.
આપણા ત્યાં ૧૩મી સદીમાં એક રાજા થઈ ગયો જેનું નામ હતું મોહમ્મદ બિન તુઘલક . આ રાજાને તેની પ્રજા શરૂઆતમાં ખુબ જ હોંશિયાર ગણતી હતી પણ તેણે અમુક એવા નિર્ણયો લીધા તે બાદ જેમ કે , દિલ્હીથી દોલતાબાદ રાજધાનીને શિફ્ટ કરવાનો નિર્ણય વગેરે . આ પછી ઇતિહાસમાં કાયમ માટે જો કોઈ શાસક મનઘડત નિર્ણય લે તો તેની માટે તઘલકી શબ્દ વપરાય છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ આવો જ એક તઘલકી નિર્ણય ફરી એકવાર જાહેર કર્યો છે . ટ્રમ્પ પ્રશાસને અમેરિકાના આરોગ્ય અને માનવ સેવા વિભાગ (HHS)માંથી લગભગ ૧૦,૦૦૦ કર્મચારીઓને છૂટા કરવાની શરૂઆત કરી છે. આ પગલું ૧ એપ્રિલ, ૨૦૨૫થી અમલમાં આવ્યું છે , જેમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA), સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) જેવી મહત્વપૂર્ણ એજન્સીઓના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ છટણીઓ ટ્રમ્પ પ્રશાસનના ફેડરલ સરકારનું કદ ઘટાડવા અને ખર્ચમાં કાપ મૂકવાના વ્યાપક પ્લાનનો ભાગ છે, જેમાં રોબર્ટ એફ. કેનેડી જુનિયર કે જેઓ HHSના સેક્રેટરી છે અને એલોન મસ્કની ભૂમિકા મહત્વની ગણાય છે. કર્મચારીઓમાં આ ઘટાડાથી HHSના કર્મચારીઓનું કદ ૮૨,૦૦૦થી ઘટીને ૬૨,૦૦૦ થઈ જશે, જેમાં ૧૦,૦૦૦ લોકોને સીધી છટણી દ્વારા અને બીજા ૧૦,૦૦૦ લોકો સ્વૈચ્છિક નિવૃત્તિ કે રાજીનામાં દ્વારા છૂટા કરાયા છે. આ પગલાંની શરૂઆતમાં કર્મચારીઓને ઈમેલ દ્વારા નોટિસ આપવામાં આવી, અને કેટલાકને તેમની ઓફિસમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ મૂકાયો. FDA એટલેકે, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનમાંથી ૩,૫૦૦, સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને પ્રિવેંશન CDCમાંથી ૨,૪૦૦ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ NIHમાંથી ૧,૨૦૦ કર્મચારીઓને છૂટા કરવાની યોજના છે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય "અમેરિકાને ફરીથી સ્વસ્થ બનાવવા" એટલેકે (Make America Healthy Again) ના નામે એજન્સીઓને સુવ્યવસ્થિત કરવાનો કહેવામાં આવ્યું છે, જેમાં નવી "એડમિનિસ્ટ્રેશન ફોર અ હેલ્ધી અમેરિકા" નામની એજન્સી બનાવવાની યોજના પણ સામેલ છે. જોકે, આની સામે યુનિયનો અને ડેમોક્રેટિક નેતાઓએ વિરોધ દર્શાવ્યો છે, જેને "સ્વાસ્થ્ય અને આરોગ્ય સેવાઓ માટે વિનાશક" ગણાવ્યું છે. કેટલાક રાજ્યો આ કર્મચારીઓને નોકરીઓ ઓફર કરી રહ્યા છે, પરંતુ આ ફેરફારોની લાંબા ગાળાની અસર શું થશે તે તો ભવિષ્યના ગર્ભમાં છે.
વાત કરીએ દક્ષિણ અમેરિકાના એક દેશની જે નકશા પર એક ઉભી પટ્ટીની જેમ દેખાય છે . તેનું નામ છે ચીલી ત્યાંના રાષ્ટ્રપ્રમુખ ગેબ્રિયલ બેરિક ફોન્ટ ભારત આવ્યા છે . તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાર્તાલાપ કર્યો છે સાથે જ આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમના માનમાં ગયિકાલે રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં એક બેન્કવેટનું આયોજન કર્યું હતું. ભારત અને ચીલીએ કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપના કરારો માટે વાર્તાલાપ શરુ કરવા તૈયારી બતાવી છે. તેનાથી ભારતને ક્રિટિકલ મિનરલ ક્ષેત્રે ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત બેઉ દેશો વચ્ચે કૃષિ ક્ષેત્રે અને ખાદ્ય સુરક્ષાને લઇને સહકાર હાથ ધરાશે. ભારત અને ચીલી વચ્ચે ડિફેન્સ ક્ષેત્રમાં પણ સહકાર વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારત ચીલી સાથે ડિજિટલ પબ્લીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર , રિન્યુએબલ એનર્જી , રેલવે , સ્પેસ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહકાર સધાશે . ચીલીનું મહત્વ જિયોપોલિટિક્સની દ્રષ્ટિએ ખુબ છે કેમ કે , તે એન્ટાર્કટિકા ખંડનું પ્રવેશદ્વાર ગણાય છે. આપને જણાવી દયિકે , ભારત અને ચીલી તેમના રાજદ્વારી સંબંધોમાં ૭૬ વર્ષ ઉજવી રહ્યા છે.
વાત કરીએ આપણા પાડોશી દેશ મ્યાનમારની તો ત્યાં ભૂકંપથી મૃત્યુનો આંક ૨૦૦૦ થી વધુ પહોંચી ચુક્યો છે. સમાચાર આવી રહ્યા છે કે લગભગ ૨૭૦૦ લોકોના મૃત્યુ થયા છે. જોકે મ્યાનમારમાં જે ગૃહ યુદ્ધની સ્થિતિ છે તેના કારણે બચાવ કામગીરીમાં તકલીફ થઈ શકે છે. આપને જણાવી દયિકે થોડાક સમય પેહલા તેમના ત્યાં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો . આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારના મિલિટરી શાસક મીન ઉંગ હલાઇંગ સાથે ફોન પર વાત પણ કરી હતી . જ્યારથી ૨૦૨૧ ફેબ્રુઆરીમાં મ્યાનમારમાં લશ્કરી શાસન આવ્યું છે ત્યારથી ભારત અને મ્યાનમારના સંબંધોમાં ખટાશ છે . જોકે હવે મ્યાનમારની મદદ કરવા માટે ભારતે સમગ્ર એશિયામાં સૌપ્રથમ સ્થિતિનો તાગ મેળવીને ઓપરેશન બ્રહ્મ મોકલ્યું છે.
