વિશ્વભરમાં કોઈ પણ સભ્યતાની નીવ એ શિક્ષણ છે . શિક્ષણ વગર સમાજની વિચારધારા તળાવ જેવી સંકુચિત બને છે જયારે શિક્ષણ આ વિચારધારાને નદીના પ્રવાહની જેમ વહેતી બનાવે છે. હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જે નિર્ણય લીધો છે તેનાથી સમગ્ર અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે . ટ્રમ્પએ ફેડરલ ગવર્નમેન્ટના શિક્ષણ ખાતાને બંધ કરવાનો નિર્ણય લીધો છે . અહીં ફેડરલ ગવર્નમેન્ટ એટલે , કેન્દ્ર સરકાર સમજવું . ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેમાં શિક્ષણ ખાતાને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઓર્ડરમાં શિક્ષણ સચિવ લિન્ડા મેકમોહનને "શિક્ષણ ખાતાને બંધ કરવા અને શિક્ષણની સત્તા રાજ્યો અને સ્થાનિક સમુદાયોને પરત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવાનો " નિર્દેશ આપવામાં આવ્યો છે. જોકે આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે અપંગ બાળકો માટે અનુદાન અને ભંડોળ જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો ચાલુ રહેશે . આ કાર્યક્રમ અન્ય એજન્સીઓને સોંપવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે આ પગલું શિક્ષણમાં ફેડરલ સરકારની ભૂમિકા ઘટાડવા અને રાજ્યોને વધુ નિયંત્રણ આપવા માટે છે. તેમણે કહ્યું કે, "શિક્ષણ ખાતાને બંધ કરવાથી બાળકો અને તેમના પરિવારોને એવી સિસ્ટમમાંથી બચવાની તક મળશે જે તેમને નિષ્ફળ બનાવી રહી છે." આપને જણાવી દયિકે , વર્ષ ૨૦૨૪માં આ યુએસના શિક્ષણ વિભાગનું બજેટ ૨૩૮ બિલિયન ડોલર (૨૦ લાખ કરોડ રૂપિયાનું હતું ). વિભાગમાં આશરે ૪૪૦૦ કર્મચારીઓ છે . આ નિર્ણયની માટે ટીકા અને સમર્થન એમ બંને પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે. ડેમોક્રેટ્સ અને શિક્ષણવિદોએ આ પગલાને "વિનાશક" અને "તાનાશાહ રીતે સત્તાનો દુરુપયોગ" ગણાવ્યો છે, જ્યારે કેટલાક રૂઢિચુસ્ત જૂથોએ તેનું સ્વાગત કર્યું છે. વ્હાઇટ હાઉસના ડેટા અનુસાર , છેલ્લા ૪૦ વર્ષોમાં ભારે ખર્ચ કરવા છતાં આ વિભાગ શિક્ષણમાં સુધારો કરવામાં નિષ્ફળ ગયો છે . હવે જાણીએ કે , યુએસમાં આ ફેડરલ શિક્ષણ ખાતાનો ઇતિહાસ છે શું? આ ફેડરલ શિક્ષણ ખાતું 1979માં સ્થાપિત થયું હતું અને તેનો ઉદ્દેશ્ય શિક્ષણમાં ફેડરલ નીતિઓનું સંચાલન કરવાનો છે, જેમાં વિદ્યાર્થીઓને લોન, ગ્રાન્ટ્સ અને શાળાઓને ફંડિંગનો સમાવેશ થાય છે.આ ઉપરાંત શિક્ષણ ખાતું શિક્ષણના ધોરણો નક્કી કરવા, ડેટા એકત્રિત કરવા અને નાગરિક અધિકારોના કાયદાઓનું પાલન સુનિશ્ચિત કરવા જેવા મહત્વપૂર્ણ કાર્યો કરે છે.હવે જાણીએ કે યુએસના આ શિક્ષણ ખાતાને બંધ કરવાથી શું અસર પડી શકે છે? આ ખાતાને બંધ કરવાથી શિક્ષણના ફંડિંગ, નીતિઓ અને ધોરણો પર મોટી અસર પડી શકે છે. ખાસ કરીને, ઓછી આવકવાળા અને ગ્રામીણ વિસ્તારોની શાળાઓ કે જે ફેડરલ ફંડિંગ પર આધારિત છે, તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓને લોન અને ગ્રાન્ટ્સની ઉપલબ્ધતા પર અસર પડી શકે છે . આ શિક્ષણ ખાતાને સંપૂર્ણ રીતે બંધ કરવા માટે કોંગ્રેસની મંજૂરી જરૂરી છે, જે એક જટિલ અને લાંબી પ્રક્રિયા હોઈ શકે છે. ડેમોક્રેટ્સ અને અન્ય વિરોધીઓ આ નિર્ણયને કાયદાકીય રીતે પડકારી શકે છે. આપને અહીં જણાવી દયિકે , અહીં કોંગ્રેસ એટલે યુએસની સંસદ . ત્યાં સંસદ માટે કોંગ્રેસ શબ્દ વપરાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પએ જયારે આ શિક્ષણ ખાતાને બંધ કરવાનો નિર્ણય લીધો તે પેહલાથી જ આ ખાતામાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં આવી છે અને બજેટમાં કાપ મૂકવામાં આવ્યો છે, જેનાથી શિક્ષણવિદો અને નાગરિક અધિકાર સમર્થકોમાં ચિંતા વધી છે. ડોનાલ્ડ ટ્રમ્પનો શિક્ષણ ખાતું બંધ કરવાનો નિર્ણય એક મોટો અને વિવાદાસ્પદ પગલું છે, જેની શિક્ષણ વ્યવસ્થા પર દુરોગામી અસરો પડી શકે છે. હવે જોવાનું એ છે કે , યુએસ કોંગ્રેસ ડોનાલ્ડ ટ્રમ્પના શિક્ષણ ખાતાને બંધ કરવાનો નિર્ણય સ્વીકારે છે કે કેમ તે તો ભવિષ્યમાં જ ખબર પડશે .