સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે ચોમાસાની સિઝન દરમિયાન માથાના વાળ ખરે છે, મતલબ હેર ફોલ થાય છે પરંતુ શિયાળાની સિઝનમાં પણ અનેક લોકોને કહેતા સાંભળ્યા હશે કે વાળ ખરે છે. અનેક લોકોને હેર ફોલ આ સિઝનમાં થતો હોય છે, કદાચ તમારામાંથી પણ અનેક એવા હશે જેમને આ ફરિયાદ હશે. ત્યારે આજે જાણીએ કે શું શિયાળાને કારણે વાળ વધારે ખરે છે કે કોઈ બીજા કારણો પણ આની પાછળ જવાબદાર હોય છે? અનેક લોકો માનતા હોય છે કે તેલ ન નાખવાને કારણે વાળ ખરે છે વગેરે વગેરે...
ન માત્ર ચોમાસામાં પરંતુ શિયાળામાં ખરે છે લોકોના વાળ
ડોક્ટરની માનીએ તો વાળ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. અનેક લોકોના વાળ સામાન્ય રીતે ચોમાસાની સિઝન દરમિયાન ખરતા હોય છે પરંતુ અનેક લોકોના વાળ શિયાળા દરમિયાન પણ ખરતા હોય છે. ડોક્ટરનું માનીએ તો વાળ ખરવા પાછળ અનેક બીજા કારણો હોય છે જેવા કે ખાણી પીણી, બિમારીને કારણે લેવામાં આવતી દવાઓ, સ્ટ્રેસ, બહારનું વાતાવરણ જેવા કારણો આની પાછળ જવાબદાર હોય છે. શિયાળાને કારણે સ્કીન ડ્રાય થઈ જતી હોય છે, સ્કીન ડ્રાય થવાને કારણે ડેન્ડ્રફ વધી જાય છે. અને એના કારણે વાળ વધારે ઉતરે છે. ન માત્ર વાળ ઉતરે છે પરંતુ માથામાં ખંજવાળ આવે છે.
તેલ લગાવાથી ઓછા ઉતરે છે વાળ?
જો તમે માનતા હોવ કે તેલ લગાવવાથી વાળ નથી ઉતરતા તો કદાચ તમે ખોટા છો. વાળ ઉતરવાને અને તેલને કોઈ સીધો સંબંધ નથી. ડોક્ટરનું માનવું હોય છે કે તેલ લગાવવાથી વાળ સોફ્ટ બને છે. તેલ લગાવવાથી વાળ ચમકે છે. તેલ દ્વારા કરવામાં આવતી મસાજથી blood circulation થાય છે જે વાળ માટે સારૂં હોય છે. પરંતુ જો તમે માનો છો કે તેલ લગાવાથી વાળ ઉગે છે તો તમે કદાચ ખોટા છો.
