કેટલાક લોકો માટે ઉંમર એ માત્ર એક નંબર છે. તેઓ વયોવૃધ્ધ અવસ્થામાં પણ યુવાનોને પણ શરમાવે તેવી સ્ફુર્તીથી કામ કરતા હોય છે. નિવૃતિમાં તે ઘરે બેસી રહેવાના બદલે સતત સમાજ ઉપયોગી પ્રવૃતિમાં વ્યસ્ત રહે છે. તેમની સેવા ભાવના અન્ય લોકોને પણ પ્રેરણા પુરી પાડે છે. આવા જ એક સેવાભાવી તબીબ ડો. કપિલ પુરોહિત 92 વર્ષની વયે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારમાં સેવા આપે છે.
92 વર્ષીય સેવાભાવી તબીબ
92 વર્ષીય તબીબ ડો. કપિલ પુરોહિત છેલ્લા 33 વર્ષથી આદિવાસી વિસ્તારમાં સેવા આપે છે. તેઓ સુરતથી 40 કિ.મી દુર આદિવાસી વિસ્તારમાં પહોંચીને ગરીબ લોકોની સેવા કરે છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વરવાડા ગામમાં કપિલ કાકાના હુલામણા નામે જાણીતા ડો. કપિલ પુરોહિતની સેવા ભાવનાની જીવતી જાગતી મિશાલ છે.
ફીની અપેક્ષા વગર સેવા
ડો. કપિલ પુરોહિત વરવાડા ગામમાં અઠવાડિયાના ચાર દિવસ સેવા આપે છે. ઉત્કટ સેવા ભાવનાવાળા આ તબીબ ફીની અપેક્ષા વગર દર્દીઓની સેવા કરે છે. કોઈ ગરીબ દર્દી જો ફી ન આપી શકે તો પણ ડો. કપિલ પુરોહિત નિ:સ્વાર્થ ભાવનાથી તેની નિ: શુલ્ક સારવાર કરે છે. કોરોના કાળમાં સંક્રમિત થઈ ચુકેલા ડો. કપિલ પુરોહિતના પરિવારજનો તેમને તબીબી પ્રેક્ટિસ છોડી દેવા માટે અનેક વખત સમજાવી ચુક્યા છે. તેમ છતાં તેઓ 92 વર્ષની વયે પણ પુરા જોમ અને જુસ્સાથી ગરીબોની સેવા માટે 40 કિમી ટ્રાવેલ કરી વરવાડા ગામ પહોંચે છે.