ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોત-પોતાની રીતે મતદારોને આકર્ષવા તેમજ રિઝવવા પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે ગુજરાતમાં આ વખતે આમ આદમી સરકાર બનાવશે. ચૂંટણીને લઈ આપ એકદમ એક્ટિવ મોડમાં છે. હજી સુધીમાં AAPએ 182માંથી 139 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પરંતુ જો 2017ની ચૂંટણી પર નજર કરીએ તો આપના ઉમેદવારોને નોટા કરતા પર ઓછા મત મળ્યા હતા.
ગુજરાતમાં ત્રીજો પક્ષ કર્યારેય નથી ફાવતો
ગુજરાતની રાજનીતિનો ઈતિહાસ જોઈએ તો જ્યારથી ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતોનો ખેલ ચાલી રહ્યો છે. ગુજરાતના લોકો ત્રીજા પક્ષનો સ્વીકાર નથી કરતા. ત્યારે ગુજરાતના ઈતિહાસને પલટવાની વાત આ વખતે આમ આદમી પાર્ટી કરી રહી છે. ગુજરાતમાં આ વખતે આપની સરકાર બનશે તેવો દાવો કરનાર આમ આદમી પાર્ટી જો 2017નો રેકોર્ડ જોવે તો ખબર પડશે કે ગુજરાતમાં સરકાર બનાવવી એટલી સરળ નથી. 2017માં આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. એક પણ ઉમેદવાર ડિપોઝીટ પણ બચાવી શક્યા ન હતા. સૌથી વધુ વોટ છોટા ઉદેપુરના ઉમેદવારને 4551 મત મળ્યા હતા જ્યારે સૌથી ઓછા વોટ અંકલેશ્વર બેઠકના ઉમેદવારને મળ્યા હતા.
130થી વધુ ઉમેદવારોના નામ કરાયા છે જાહેર
મતદારોને આકર્ષવા માટે આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. કોઈ પણ પાર્ટીએ જ્યારે ઉમેદવારોના નામ જાહેર નહોતા કર્યા ત્યારે આપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી હતી. આપે 10મું લિસ્ટ જાહેર કરી ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ઉપરાંત AAPએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઘોષિત કરી દીધા છે.
ઉમેદવારો કરતા નોટાને મળ્યા હતા વધારે વોટ
2017માં આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવારોને ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી વિજય મેળવવાની વાત તો દૂર રહી પરંતુ પોતાની ડિપોઝિટને પણ બચાવી શક્યા ન હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારને નોટા કરતા પણ ઓછા વોટ મળ્યા હતા. 29 ઉમેદવારોમાંથી માત્ર એક જ ઉમેદવારને નોટા કરતા વધારે મત મળ્યા હતા. 29 ઉમેદવારોમાંથી છોટા ઉદેપુરના ઉમેદવારે બીજા બધા કરતા સારુ પ્રદર્શન કર્યું હતું. અર્જુન રાઠવાને 4135 વોટ મળ્યા હતા જ્યારે નોટામાં 1693 મત પડ્યા હતા. 2017માં આપના 29 ઉમેદવારોને કુલ 29509 વોટ મળ્યા હતા.
2017માં કયા ઉમેદવારને આમ આદમી પાર્ટીએ આપી હતી ટિકિટ
2017માં ઉતારેલ ઉમેદવારોની વાત કરીએ તો ગોવિંદભાઈ દાનીયાને ગાંધીધામ(એસસી)થી ટિકિટ આપવામાં આવી હતી. રમેશ નાભાનીને પાલનપુરથી, રમેશ પટેલને ઊંઝાથી, ગુણવંત પટેલને ગાંધીનગર નોર્થથી, અમજદખાન પઠાણને બાપુનગરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. છાનીયારા તલસીને દસાડા(એસસી)થી, દાધનિયા મુળજીભાઈને ધાંગ્રધાથી, ઉસ્માનગી શેરાસીયાને વાંકાનેરથી, અજીતભાઈને રાજકોટ ઈસ્ટથી, ગીરીશ મારવીયાને રાજકોટ સાઉથથી, નિમીષા ખૂંટને ગોંડલથી, હાર્દિક વાચ્છાની ધોરાજીથી, પરેશ ભંડેરીને જામનગર રૂરલથી ટિકિટ આપવામાં આવી હતી.
જ્યારે ખંભાળીયાથી કેતન પરમાર, લાઠીથી ભાનુભાઈ માંજરીયા, બોટાદથી જીલુ બાવળીયા, છોટા ઉદેપુર(એસસી)થી અર્જુન રાવઠા, વડોદરા(એસસી)થી પરમાર ઠાકોરને, માંજલપુરથી રીતુ બંસલ. કરજણથી હનીફ જામદાર, અંકલેશ્વરછી દુર્ગાપ્રસાદ શર્મા, ઓલપાડથી મનસુખ સાવલિયા, કામરેજથી રામ ધડુકને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. સલીમ મુલતાણીને સુરત ઈસ્ટથી, જીજ્ઞેશ મહેતાને કારંજથી, રાષા ઉપાલીયાને લીંબાયતથી, નાગજીભાઈ આંબલિયાને કતારગામથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જતીનકુમાર પટેલને વલસાડથી ટિકિટ આપવામાં આવી હતી જ્યારે રાજીન પાંડેને પારડીથી ટિકિટ આપવામાં આવી હતી.
ત્રણ ઉમેદવારને આ વખતે પણ અપાઈ છે ટિકિટ
29 ઉમેદવારોમાંથી આમ આદમી પાર્ટી આ વખતે ત્રણ ઉમેદવારોને રિપિટ કર્યા છે. જેમા નિમિષા ખૂંટ, અર્જુન રાઠવા અને રામ ધડુકનો સમાવેશ થાય છે. નિમિષા બેનને આ વખતે ગોંડલથી જ ટિકિટ આપવામાં આવી છે. 2017માં તેમને 2179 વોટ મળ્યા હતા. અર્જુન રાઠવાને છોટા ઉદેપુરથી ટિકિટ આપવામાં આવી છે જ્યારે રામ ધડુકને કામરેજથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉમેદવારો પર વિશ્વાસ રાખી તેમને ફરી એક વખત ટિકિટ આપવામાં આવી છે. ત્યારે પાર્ટી દ્વારા રાખવામાં આવેલા વિશ્વાસ પર ખરા ઉતરશે કે નહિં કે મતગણતરીના દિવસે ખબર પડશે.
અનેક જાણીતા ચહેરા જોડાયા છે AAPમાં
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ગુજરાત આવી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. અનેક જાણીતા ચહેરાઓ જેવા કે ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, યુવરાજસિંહ જાડેજા. મહિપતસિંહ ચૌહાણ તેમજ અલ્પેશ કથીરિયા જેવા નામદાર ચહેરાઓ આ વખતે આમ આદમી પાર્ટી પાસે છે. ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી 2017 કરતા સારૂ પ્રદર્શન કરશે કે નહિં તે મતદાર નક્કી કરશે.